<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

યુરોપમાં મહાયુદ્ધ ભભૂક્યું: રશિયાએ કીવ પર હાઇપરસોનિક મિસાઇલો અને સુસાઇડ ડ્રોન ઝીંક્યા: યુક્રેનનો બંકરોમાંથી હૂંકાર—'મોસ્કો પરિણામ ભોગવવા તૈયાર રહે’

રાજધાની કીવમાં બ્લાસ્ટના ધડાકાથી એર સ્પેસ ધ્રૂજી ઉઠી: એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ:પશ્ચિમી દેશો હરકતમાં: પરમાણુ પાવર પ્લાન્ટ્સ પર તોળાતો ખતરો

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલો લોહિયાળ જંગ હવે અત્યંત ક્રૂર અને ખતરનાક વળાંક પર આવી પહોંચ્યો છે. રશિયન સૈન્ય કમાન્ડે કીવને બાનમાં લેવા માટે રાત્રિના અંધકારમાં એકસાથે ડઝનબંધ બેલિસ્ટિક, ક્રૂઝ અને કિંઝલ હાઇપરસોનિક મિસાઇલો (Hypersonic Missiles) નો મારો ચલાવ્યો છે. કીવના આકાશમાં ઇમરજન્સી સાઇરનો ગુંજી ઉઠ્યા હતા અને સરકારી બિલ્ડિંગો તેમજ મિલિટરી કંટ્રોલ રૂમ્સને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો છે. ક્રેમલિને સ્પષ્ટ કર્યું છે કે યુક્રેનને પશ્ચિમી દેશો (NATO) તરફથી મળી રહેલી મદદના જવાબમાં આ ઘાતક હથિયારોનો ઉપયોગ કરવો અનિવાર્ય બન્યો હતો.

કિવના મેયર વિતાલી ક્લિટ્સ્કોએ ટેલિગ્રામ પર જણાવ્યું હતું કે, શહેરના પશ્ચિમી બહારના વિસ્તારમાં આવેલું એક મોટું ગોડાઉન આ મિસાઈલ હુમલાની ચપેટમાં આવી ગયું છે. બીજી તરફ, યુક્રેનિયન સેના દ્વારા તોડી પાડવામાં આવેલી રશિયન મિસાઈલોનો કાટમાળ ડ્નીપ્રો નદીના પૂર્વી કિનારે આવેલા રહેણાંક વિસ્તારોમાં પડ્યો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ, રશિયાએ કિવ તરફ ઓછામાં ઓછી 8 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી.

યુક્રેનની વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ માત્ર મિસાઈલો જ નહીં પરંતુ ઈરાન નિર્મિત ઘાતક શાહેદ ડ્રોન વડે પણ યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવ્યા છે. ઉત્તર-પૂર્વીય શહેર ખાર્કિવમાં પણ ડ્રોન હુમલા બાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હોવાના અહેવાલો છે. આ ઉપરાંત વિનિત્સિયા સહિત યુક્રેનના અન્ય કેટલાય પ્રાંતોમાં પણ એર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે અત્યંત ચોંકાવનારી વાત એ છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે યુક્રેનમાં સંરક્ષણ મંત્રી માયખાઈલો ફેદોરોવને પદ પરથી હટાવવાને કારણે મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. તેમના હટ્યાના ગણતરીના કલાકોમાં જ રશિયાએ આ મોટો પ્રહાર કર્યો છે.

(5:43 PM IST)