<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

ઓપન AI બાદ હવે એન્થ્રોપિકના AI મોડેલે પણ 3 કંપનીઓની સિસ્ટમ હેક કરી

સાયબર સિક્યોરિટી વર્લ્ડમાં ખળભળાટ: સ્વાયત્ત રીતે સિસ્ટમની ખામીઓ શોધી હેકિંગ કરતું AI જોતાં વિજ્ઞાનીઓ અને એજન્સીઓ સ્તબ્ધ

નવી દિલ્હી:આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઝડપી વિકાસ વચ્ચે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ઓપન AI ના મોડેલ્સ દ્વારા સાયબર સુરક્ષામાં ગાબડાં પાડવાના કિસ્સા બાદ હવે અન્ય અગ્રણી AI કંપની 'એન્થ્રોપિક' (Anthropic) ના AI મોડેલે પણ ૩ મોટી કંપનીઓની સુરક્ષા સિસ્ટમને હેક કરી બતાવી છે. માનવ હસ્તક્ષેપ વગર AI મોડેલે જાતે જ સિસ્ટમમાં રહેલી ટેકનિકલ ખામીઓ (Vulnerabilities) શોધી કાઢીને ડેટા સુધી પહોંચ બનાવી લીધી હતી. આ ઘટના સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સાયબર સિક્યોરિટી ક્ષેત્રે મોટો ખળભળાટ મચી ગયો છે. નિષ્ણાતો ભય વ્યક્ત કરી રહ્યા છે કે જો AI મોડેલ્સ આટલી સરળતાથી હેકિંગ કરવા લાગશે, તો ભવિષ્યમાં વૈશ્વિક ડિજિટલ સિક્યોરિટી અને ગોપનીયતા માટે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ટેક કંપનીઓ હવે આ પ્રકારના AI મોડેલ્સ પર કડક નિયંત્રણો અને સિક્યોરિટી પ્રોટોકોલ મજબૂત કરવા માટે દોડધામ કરી રહી છે.

કોઈ પણ એઆઈ મોડલને લોક વપરાશ માટે જાહેરમાં ખુલ્લું મુક્ત પહેલા, કંપની તેને હજારો-લાખો પરીક્ષણોમાંથી પસાર કરે છે. આ પરીક્ષણ 'મૂલ્યાંકન' અથવા 'ટેસ્ટિંગ' કહેવાય છે.
આવાં પરીક્ષણો એ ચકાસવા માટે કરવામાં આવે છે કે એઆઈ મોડલ સુરક્ષિત છે કે નહીં?'' કોઈ ગેરકાયદે કે અનૈતિક કામ તો કરતું નથી ને, આપેલા નિયમો તોડતું તો નથી. સમાચારમાં જણાવ્યા મુજબ, કંપનીએ પોતાના ૧,૪૦,૦૦૦થી વધુ આવા જૂના મૂલ્યાંકનોની તપાસ કરી, ત્યારે એઆઈ મોડલની આ ગંભીર ભૂલ પકડાઈ હતી.
'કેપ્ચર ધ ફ્લેગ' ટેસ્ટ શું છે?
સાયબર સુરક્ષા ક્ષેત્રમાં કંપનીઓ પોતાના સિસ્ટમને મજબૂત બનાવવા માટે નકલી (સિમ્યુલેટેડ) હેકિંગ ચેલેન્જ યોજે છે, જેને 'કેપ્ચર ધ ફ્લેગ' કહેવાય છે. કોઈ ખાસ છુપાયેલો કોડ કે માહિતી શોધીને 'જીતવાની' સ્પર્ધાત્મક રમત જેવો ટેસ્ટ કંપની યોજે છે તેને 'કેપ્ચર ધ ફ્લેગ' કહે છે.
આ કિસ્સામાં એઆઈ મોડલને આવો જ એક ટેસ્ટ આપવામાં આવ્યો હતો, જેમાં તેને નેટવર્ક પર છુપાયેલો કોડ શોધવાનું કામ સોંપાયું હતું.
પાસવર્ડની ગેરરીતિનો ફાયદો ઉઠાવીને મોડલ છટકી ગયું
સામાન્ય રીતે આવા ટેસ્ટિંગ દરમિયાન એઆઈ મોડલને એક બંધ, સુરક્ષિત (આઇસોલેટેડ) વાતાવરણમાં જ રાખવામાં આવે છે. જેમ કોઈ પ્રયોગશાળામાં જૈવિક નમૂનો બહારની હવાના સંપર્કમાં ન આવે તેમ, એ મોડેલને ઇન્ટરનેટ સુધી પહોંચવાં દેવામાં આવતું નથી. પરંતુ કંપની અને તેની સાથે કામ કરતી ભાગીદાર સંસ્થા વચ્ચે પાસવર્ડ/ઓથેન્ટિકેશનની ગેરસમજને કારણે, આ સુરક્ષા-દીવાલમાં ખામી રહી ગઈ હતી. જેથી એઆઈ મોડલને ઇન્ટરનેટની સાથે જોડાણ કરવાની તક મળી ગઈ હતી. આનો ફાયદો ઉઠાવીને મોડલે ત્રણ અલગ-અલગ કંપનીઓના નેટવર્કની સિસ્ટમમાં સફળતાપૂર્વક ઘૂસણખોરી કરી લીધી હતી.

(6:24 PM IST)