તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
AIનો ‘ભસ્માસુર’ અવતાર?: મેટા અને માઈક્રોસોફ્ટમાં ૧૬,૦૦૦ નોકરીઓ પર ફરી વળી કાતર: ટેક જગતમાં ફફડાટ
માણસની જગ્યાએ હવે મશીન: ઝકરબર્ગ અને નાડેલાએ AI પાછળ અબજો ડૉલર ઠાલવવા કર્મચારીઓની બલિ ચડાવી? મેટામાં ૨૦% સ્ટાફ ઘટાડવાની તૈયારી: માઈક્રોસોફ્ટમાં સ્વૈચ્છિક નિવૃત્તિનો દોર: ૨૦૨૬માં આઈટી સેક્ટરમાં રોજગારની વ્યાખ્યા બદલાશે?

નવી દિલ્હી: ટેક દુનિયામાં અત્યારે એક જ ચર્ચા છે—શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માણસોની નોકરી ખાઈ જશે? આ સવાલનો જવાબ હવે દેખાવા લાગ્યો છે. સોશિયલ મીડિયા જાયન્ટ મેટા (Meta) અને સોફ્ટવેર કિંગ માઈક્રોસોફ્ટ (Microsoft) એ સંયુક્ત રીતે આશરે ૧૬,૦૦૦ જેટલા કર્મચારીઓને છૂટા કરવાની તૈયારી કરી લીધી છે. આ છટણી પાછળનું મુખ્ય કારણ AI ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતું તોતિંગ રોકાણ અને વધતી જતી કાર્યક્ષમતા છે.
મેટાએ પુષ્ટિ કરી છે કે તેઓ આશરે 8,000 કર્મચારીઓને એટલે કે તેની કુલ કર્મચારી સંખ્યાના લગભગ 10% કર્મચારીઓને 20 મેથી છૂટા કરશે. આ સાથે જ 6000 ઓપન જોબને પણ દૂર કરી છે. બીજી તરફ માઈક્રોસોફ્ટ તેના અમેરિકન વર્કફોર્સના લગભગ 7% એટલે કે લગભગ 8,000 કર્મચારીઓને સ્વૈચ્છિક બહાર નીકળવાની ઓફર આપી રહી છે. બંને જાહેરાતો એક જ અઠવાડિયામાં આવી છે અને એ બતાવે છે કે આ કોઈ એક કંપનીનો નિર્ણય નથી, પરંતુ સમગ્ર ટેક ઉદ્યોગમાં ચાલતા મોટા ફેરફારનો ભાગ છે.
મેટામાં છટણીઓ અનેક વિભાગોમાં થઈ રહી છે:
• Facebook અને Instagram ટીમો પર પણ અસર થઈ છે
• સેલ્સ, ઓપરેશન અને રિક્રૂટમેન્ટ યુનિટ્સમાંથી પણ કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે
• અગાઉ Reality Labs (મેટાવર્સ વિભાગ) પર પણ અસર થઈ હતી
માઈક્રોસોફ્ટમાં છટણીઓ વધુ ધ્યાન કેન્દ્રિત છે:
• કોર્પોરેટ અને સેલ્સ ભૂમિકાઓ પર સૌથી વધુ અસર પડી છે
• લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક બહાર નીકળવાની ઓફર આપવામાં આવી રહી છે. જૂના કર્મચારીઓનો પગાર ખૂબ જ વધુ થઈ રહ્યો હોવાથી તેમને સ્વેચ્છાએ નોકરીમાંથી નીકળવા માટે સારી એવી ઓફર આપવામાં આવી રહી છે
આ બન્ને કંપનીઓની છટણીમાં એક સામાન્ય પેટર્ન દેખાય છે અને એ છે કે સપોર્ટ ફંક્શન અને જૂના રોલ્સ પહેલા ઘટાડવામાં આવી રહ્યા છે. આ એવી છટણીઓ છે જે કામ AI કરી શકે છે.
1. AIમાં ખૂબ જ મોટું ઇન્વેસ્ટમેન્ટ
બંને કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ભારે ખર્ચ કરી રહી છે:
• મેટા AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે $115–$135 બિલિયન સુધી રોકાણ કરવાની યોજના ધરાવે છે
• માઈક્રોસોફ્ટ પણ AI સિસ્ટમ્સ અને ડેટા સેન્ટર્સ માટે $100 બિલિયનથી વધુ ખર્ચ કરી રહી છે
આ રોકાણ માટે ફંડની જરૂર છે અને એ માટે કંપનીઓ હવે તેમના પૈસા બચાવી રહી છે. આ માટે તેઓ કર્મચારીઓ પાછળ કરવામાં આવતા ખર્ચ પર કાતર ચલાવી રહ્યા છે. એ માટે તેઓ હવે છટણી કરવા સુધીનું પગલું ઉઠાવી રહ્યા છે. જો કર્મચારીઓ ઓછા હશે તો તેમની સેલેરી બચી જશે અને ત્યાર બાદ તેમને આપવામાં આવતા લાભમાં પણ ઘટાડો થશે અને પરિણામે પૈસા બચશે.
2. કાર્યક્ષમતા અને પુનર્ગઠન
મેટા આ છટણીઓને કાર્યક્ષમતા વધારવાના પ્રયાસ તરીકે રજૂ કરે છે, જેમાં મેનેજમેન્ટના સ્તરો ઘટાડવામાં આવે છે અને ટીમોને સરળ બનાવવામાં આવે છે. માઈક્રોસોફ્ટ પણ ઓટોમેશન અને AI ટૂલ્સથી વધતી ઉત્પાદકતા પર ભાર મૂકે છે, જેના કારણે મોટી ટીમોની જરૂરિયાત ઓછી થાય છે. આ માટે કંપનીઓ તેમના કામને ફરી રીસ્ટ્રક્ચર કરી રહી છે.
3. પેન્ડેમિક પછીનો સુધારો
કોવિડ દરમિયાન કંપનીઓ ખૂબ જ જલદી એક્સપેન્ડ થઈ રહી હતી અને એ દરમિયાન તેમણે ખૂબ જ વધુ પ્રમાણમાં લોકોને નોકરીએ પણ રાખ્યા હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાતા તેઓ વર્કફોર્સ ઓછી કરી રહ્યા છે. હવે કંપનીઓ ધીમે-ધીમે એક્સપેન્ડ થઈ રહી છે અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને તેઓ પોતાના વર્કફોર્સનું સંતુલન જાળવી રહ્યા છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
