તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 14th May 2026
અમેરિકાની ‘આર્થિક સર્જિકલ સ્ટ્રાઈક’: આ દેશમાં ડીઝલનું એક ટીપુંય ન બચ્યું, ૨૪ કલાકમાંથી માંડ બે કલાક જ મળે છે વીજળી
સુપરપાવરના પ્રતિબંધોએ દેશને અંધારામાં ધકેલ્યો: ઈંધણની ભયાનક તંગીથી પાવર ગ્રીડ ઠપ્પ, જનજીવન રીતસરનું ખોરવાયું:હોસ્પિટલો અને જીવનજરૂરી સેવાઓ પણ ભગવાન ભરોસે! ગ્લોબલ રાજનીતિની લડાઈમાં સામાન્ય જનતા બની મોહરૂં

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા સામે પંગો લેવો કોઈ દેશને કેટલો ભારે પડી શકે છે, તેનો એક જીવતો-જાગતો અને ભયાનક કિસ્સો દુનિયા સામે આવ્યો છે. અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આકરા આર્થિક પ્રતિબંધો અને નાકાબંધીના કારણે આ દેશમાં ડીઝલ અને ક્રૂડ ઓઈલની આયાત સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પરિણામે, દેશના પાવર પ્લાન્ટ્સને ચલાવવા માટે ડીઝલનું એક ટીપું પણ ઉપલબ્ધ નથી, જેના લીધે આખો દેશ બ્લેકઆઉટ (અંધારપટ) નો સામનો કરી રહ્યો છે અને લોકોને દિવસમાં માંડ બે કલાક જ વીજળી નસીબ થઈ રહી છે.
રાજધાની હવાના સહિત દેશના અનેક વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. લોકોએ દરરોજ 20થી 22 કલાક સુધી અંધારામાં રહેવું પડે છે. વીજળીના અભાવે ખાવા-પીવાની વસ્તુઓ, દવાઓ અને પરિવહન જેવી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. ક્યુબાએ છેલ્લા બે વર્ષમાં 1300 મેગાવોટ સૌર ઊર્જા ક્ષમતા તૈયાર કરી છે, પરંતુ ઇંધણ સંકટ અને પાવર ગ્રીડની અસ્થિરતાને કારણે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી, જેના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓ બેવડાઈ છે.
ક્યુબા સરકાર આ કટોકટી માટે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો અને ઇંધણ નાકેબંધીને જવાબદાર ગણાવી રહી છે. ખાસ કરીને અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને પરિવહનના ભાવ વધ્યા છે. જાન્યુઆરી 2026થી મેક્સિકો અને વેનેઝુએલાએ પણ ક્યુબાને ઇંધણ મોકલવાનું બંધ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ, જે દેશો ક્યુબાને ઇંધણ મોકલે છે તેમના પર ટૅરિફ લગાવવાની ચેતવણીને કારણે આ દેશોએ હાથ પાછા ખેંચી લીધા છે. ડિસેમ્બર પછી માત્ર એક રશિયન ટેન્કર 'અનાતોલી કોલોડકિન' જ ક્યુબા પહોંચી શક્યું હતું
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
