<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

અમેરિકાની ધરતી પર આકાશી અજવાળું: વોશિંગ્ટનમાં એકસાથે ૮.૫૦ લાખ ફટાકડા ફોડીને સર્જાયો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ

આંખો અંજી નાખતી અદ્ભુત આતશબાજી જોવા લાખોની મેદની ઉમટી: ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું નામ

નવી દિલ્હી :અમેરિકાના વોશિંગ્ટન ખાતે યોજાયેલા એક ભવ્ય મહોત્સવ દરમિયાન એકસાથે ૮,૫૦,૦૦૦ જેટલા ફટાકડાઓની અત્યાર સુધીની સૌથી મોટી આતશબાજી કરીને એક નવો જ વૈશ્વિક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો છે. કલાકો સુધી ચાલેલા આ ભવ્ય રોશનીના ખેલમાં આખું આકાશ જાણે રંગબેરંગી કલરો અને અદ્ભુત ડિઝાઇનોથી ચમકી ઉઠ્યું હતું, જેને નજરે નિહાળવા માટે દેશ-વિદેશના લાખો લોકો ઉમટી પડ્યા હતા. આ અદભુત અને અકલ્પનીય નજારાની ભવ્યતાને જોઈને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની ટીમે પણ આ આતશબાજીને સત્તાવાર રીતે દુનિયાના સૌથી મોટા ફટાકડા શો તરીકે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપ્યું છે.

પ્રમુખ ટ્રમ્પે નેશનલ મોલ પર યોજાયેલા આતશબાજીના કાર્યક્રમને દુનિયાનો સૌથી મોટો આતશબાજી શો ગણાવ્યો હતો. ટ્રમ્પ સરકારના ફ્રીડમ ૨૫૦ પ્રોજેક્ટે પેન્સિલવેનિયાની કંપની પાયરોટેક્નિકોને નેશનલ મોલ પર દુનિયાનો સૌથી મોટો આતશબાજી શો કરવાનું કામ સોંપ્યું હતું. આ કંપનીએ વોશિંગ્ટન ડીસીમાં લિંકન મેમોરિયલ અને પોટોમેક નદીની આજુબાજુ ૧૦ જગ્યાઓ પર ૮.૫૦ લાખથી વધુ આતશબાજીના ગોળા છોડયા. આ આતશબાજી લગભગ ૪૦ મિનિટ સુધી ચાલતી રહી. અમેરિકાના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી આતશબાજી થઈ હતી. આ નવો વર્લ્ડ રેકોર્ડ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ પહેલા દુનિયાની સૌથી મોટી આતશબાજીનો વર્લ્ડ રેકોર્ડ ૨૦૧૬માં ફિલિપાઈન્સના બોકાઉમાં ૮.૧૦ લાખથી વધુ ફટાકડા ફોડવાનો હતો. સોશિયલ મીડિયા પર દાવો કરાયો હતો કે ગયા વર્ષે માત્ર ૨૦ હજાર ફટાકડા ફોડાયા હતા, પરંતુ આ વખતે ૮.૫૦ લાખ ફટાકડા ફૂટયા છે. ટ્રમ્પ જ આવું કરી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ માત્ર વોશિંગ્ટનમાં કરાયેલી આતશબાજીના શો પર અંદાજે ૮.૫૦ લાખ ડોલરનો ખર્ચ થયો હશે. મીડિયા રિપોર્ટ મુજબ આ વર્ષે અમેરિકામાં અંદાજે ૨.૫ અબજ ડોલર (લગભગ રૂ. ૨૪,૦૦૦ કરોડ)ના ફટાકડા ફૂટયા છે, આ આંકડો સેશેલ્સના ૨.૨૫ અબજ ડોલરના જીડીપી કરતાં પણ વધુ છે.

(5:11 PM IST)