<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સાવધાન! ચાર્જિંગ પોઈન્ટ બની શકે છે ‘ચોર’: શું છે આ ‘જ્યૂસ જૅકિંગ’, જેનાથી ટ્રમ્પ પણ ફફડે છે?

એરપોર્ટ અને સ્ટેશન પર મોબાઈલ ચાર્જ કરતા પહેલા સો વાર વિચારજો: પબ્લિક ચાર્જિંગ પોર્ટ દ્વારા ડેટા અને બેંક બેલેન્સ સાફ કરવાની નવી તરકીબ:સાયબર માફિયાઓનો ખતરનાક ખેલ: ‘જ્યૂસ જૅકિંગ’ થી બચવા નિષ્ણાતોની ચેતવણી, તમારી એક ભૂલ મોંઘી પડશે

નવી દિલ્હી: આજના ડિજિટલ યુગમાં મોબાઈલની બેટરી ઉતરી જાય ત્યારે આપણે તરત જ પબ્લિક પ્લેસ પર દેખાતા યુએસબી (USB) ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરીએ છીએ, પણ સાવધાન! આ જ પોર્ટ તમારા ડેટાની ચોરીનું માધ્યમ બની શકે છે. સાયબર સુરક્ષાની ભાષામાં તેને ‘જ્યૂસ જૅકિંગ’ કહેવામાં આવે છે. ખુદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક નેતાઓ પણ સુરક્ષાના કારણોસર અજાણ્યા ચાર્જિંગ પોઈન્ટ્સ વાપરવાથી બચે છે.

આ બાબત દર્શાવે છે કે આજના સમયમાં સ્માર્ટફોન અને લેપટોપ જેવી ડિજિટલ ડિવાઇસ કેટલી સંવેદનશીલ બની ગઈ છે. અજાણ્યા નેટવર્ક, જાહેર USB ચાર્જિંગ પોર્ટ અથવા અસુરક્ષિત સિસ્ટમ સાથે જોડાતા જ વ્યક્તિગત, નાણાકીય અથવા સરકારી માહિતી જોખમમાં પડી શકે છે. આવા જ ખતરાઓમાંથી એક છે “જ્યૂસ જૅકિંગ”, જેમાં હેકર્સ જાહેર USB ચાર્જિંગ પોર્ટ દ્વારા મોબાઇલમાં રહેલો ડેટા ચોરી શકે છે અથવા તેમાં Malware ઇન્સ્ટોલ કરી શકે છે.જ્યૂસ જૅકિંગ એ એક પ્રકારનો સાયબર હુમલો છે જેમાં હેકર્સ ચાર્જિંગ માટે વપરાતા USB પોર્ટ અથવા કેબલ દ્વારા તમારા મોબાઇલ અથવા ટેબ્લેટ તેમજ લેપટોપમાંથી માહિતી ચોરી લે છે અથવા તેમાં નુકસાનકારક સોફ્ટવેર (Malware) ઇન્સ્ટોલ કરે છે. “Juice” એટલે વીજળી અને “Jacking” એટલે ચોરી અથવા હાઇજેક કરવું. USB કેબલ ફક્ત ચાર્જિંગ માટે જ નહીં પરંતુ ડેટા ટ્રાન્સફર માટે પણ વપરાય છે. આ જ બાબતનો હેકર્સ લાભ ઉઠાવે છે.USB કનેક્શન બે કામ કરે છે અને એ છે ડિવાઇસને ચાર્જ કરવું અને ડેટા ટ્રાન્સફર કરવો. હેકર્સ જાહેર ચાર્જિંગ સ્ટેશન અથવા USB કેબલ સાથે ચેડાં કરીને તેમાં માલિશિયસ સોફ્ટવેર મૂકી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો ફોન તેમાં જોડે છે ત્યારે હેકર્સને ડિવાઇસમાં પ્રવેશ મળી શકે છે.

જ્યૂસ જૅકિંગના મુખ્ય પ્રકાર

1. ડેટા ચોરી

હેકર્સ યુઝર્સના ફોનમાંથી નીચેની માહિતી ચોરી શકે છે:

  • ફોટા
  • કોન્ટેક્ટ્સ
  • ઇમેઇલ
  • પાસવર્ડ
  • બેન્કિંગ માહિતી
  • મેસેજ

2. મેલવેર ઇન્સ્ટોલ કરવું

USB દ્વારા ફોનમાં Malware ઇન્સ્ટોલ થઈ શકે છે જે:

  • યુઝર્સની જાસૂસી કરી શકે છે.
  • કી-સ્ટ્રોક રેકોર્ડ કરે છે.
  • લોકેશન ટ્રેક કરે છે.
  • પાસવર્ડ ચોરી લે છે.
  • હેકર્સને રિમોટ ઍક્સેસ આપે છે.

3. નકલી Trust Prompt

કેટલાક હુમલાઓમાં ફોન પર મેસેજ આવે છે:

“Trust This Computer?”

જો યુઝર “Trust” પર ક્લિક કરે તો હેકર્સને વધુ ઍક્સેસ મળી શકે છે.

ડિવાઇસ હેક થયું હોય તો કેવી રીતે ખબર પડશે?

જો ડિવાઇસ અસરગ્રસ્ત હોય તો નીચેના લક્ષણો જોવા મળી શકે:

  • બેટરી ઝડપથી ઊતરવાની શરૂ થઈ જાય છે.
  • ફોન ધીમો ચાલવા લાગે છે એટલે પર્ફોર્મન્સ પર અસર પડે છે.
  • અજાણી એપ્સ દેખાય છે, પરંતુ મોટાભાગે એ શક્ય ન પણ બને.
  • વધુ ડેટાનો વપરાશ થાય છે.
  • ફોન ગરમ થવાનું શરૂ થઈ જાય છે.
  • અજાણી પોપ-અપ્સ આવવા શરૂ થાય છે.
  • જ્યૂસ જૅકિંગથી કેવી રીતે બચવું?
  • 1. પોતાનો ચાર્જર વાપરો: હંમેશાં પોતાના ચાર્જિંગ એડેપ્ટર અને વોલ સોકેટનો ઉપયોગ કરવો.
  • 2. પાવર બેંક રાખો: પોર્ટેબલ પાવર બેંક જાહેર ચાર્જિંગથી બચવાનો સૌથી સારો રસ્તો છે.
  • 3. USB Data Blocker વાપરો: USB Data Blocker ડેટા ટ્રાન્સફર બંધ કરીને ફક્ત ચાર્જિંગની મંજૂરી આપે છે.
  • 4. અજાણ્યા કેબલથી દૂર રહો: જાહેર જગ્યાએ મળેલા અથવા અજાણ્યા લોકો પાસેથી લીધેલા USB કેબલનો ઉપયોગ ન કરો.
  • 5. ફોન અપડેટ રાખો: હંમેશાં સોફ્ટવેર અપડેટ રાખવું, સિક્યોરિટી પેચ આવતાં જ ઇન્સ્ટોલ કરવું. એપ્લિકેશનને પણ અપડેટ રાખવી.
  • 6. Charge Only મોડ: ફોન USB સાથે જોડો ત્યારે “Charge Only” વિકલ્પ પસંદ કરો.
  • 7. Trust Request રિજેક્ટ: જો ફોન અજાણી ડિવાઇસને Trust કરવા પૂછે તો “Cancel” અથવા “Don’t Trust” પસંદ કરો.
  • 8. Wireless Chargingનો ઉપયોગ કરો: વાયરલેસ ચાર્જિંગમાં ડેટા ટ્રાન્સફર થતું નથી, એટલે તે વધુ સુરક્ષિત ગણાય છે.

(5:39 PM IST)