News of Friday, 17th July 2026
કેનેડા જનારા ગુજરાતીઓ માટે મોટો ફટકો: જસ્ટિન ટ્રુડો સરકારનો નવો ઈમિગ્રેશન આંચકો: વડીલોને હવે કાયમી નાગરિકત્વ નહીં મળે: સુપર વિઝાના શરતી નિયમો લાગુ!
હાઉસિંગ કટોકટી અને હેલ્થકેર સિસ્ટમ પરના ભારણને કારણે કેનેડાનો મોટો નિર્ણય: લોટરી સિસ્ટમ આધારિત PGP બંધ થતાં હજારો ફાઈલો અટવાઈ

નવી દિલ્હી: કેનેડામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આવાસ (Housing Crisis) ની તંગી અને મફત મેડિકલ હેલ્થકેર સિસ્ટમ પર વધી રહેલા અતિશય બોજને નિયંત્રિત કરવા માટે કેનેડા સરકારે વધુ એક કડક ઈમિગ્રેશન સુધારો ઝીંક્યો છે. અત્યાર સુધી કેનેડામાં પીઆર (PR) થયેલા ભારતીયો કેનેડાના 'Parents and Grandparents Program' (PGP) અંતર્ગત પોતાના ભારતમાં રહેતા માતા-પિતાને કેનેડા બોલાવીને ત્યાંની કાયમી રેસિડન્સી અપાવી શકતા હતા. જો કે, આ પ્રોગ્રામમાં વર્ષોથી લાખોની સંખ્યામાં અરજીઓ પેન્ડિંગ હતી અને દર વર્ષે મર્યાદિત સંખ્યામાં લોટરી સિસ્ટમથી જ પીઆર અપાતા હતા. હવે કેનેડાના ઈમિગ્રેશન મંત્રીના નવા આદેશ અનુસાર, આ PGP સ્પોન્સરશીપ પ્રોગ્રામના નવા કાયમી વિઝા આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે.
કેનેડાના આ ફેમિલી રીયુનિફિકેશન પ્રોગ્રામમાં હંમેશા ઉપલબ્ધ બેઠકો કરતાં અરજીઓની સંખ્યા ઘણી વધારે રહેતી હોય છે. વર્ષ 2020માં જ્યારે છેલ્લીવાર નવા ફોર્મ મંગાવાયા હતા, ત્યારે સરકારને રેકોર્ડબ્રેક 2,03,213 અરજીઓ મળી હતી. ત્યારથી અત્યાર સુધી દર વર્ષે તે જૂની અરજીઓમાંથી જ રેન્ડમલી (લોટરી સિસ્ટમ દ્વારા) ઉમેદવારોની પસંદગી કરવામાં આવતી હતી. હાલમાં પણ આ પ્રોગ્રામ હેઠળ 50,900 જેટલી અરજીઓ પ્રોસેસિંગ માટે પેન્ડિંગ છે. આ પેન્ડિંગ કામગીરી ઝડપથી ઉકેલવા અને દેશમાં ચાલી રહેલી હાઉસિંગ કટોકટી તેમજ જાહેર સુવિધાઓ પરનું દબાણ ઘટાડવા સરકારે નવી એન્ટ્રીઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જેમણે પહેલાથી જ પોતાની ફાઇલ સબમિટ કરી દીધી છે, તેમની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ રહેશે. વર્ષ 2026 માં આ પ્રોગ્રામ હેઠળ 15,000 લોકોને કેનેડાના PR આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કેનેડા સરકાર ઇમિગ્રન્ટ્સની સંખ્યા નિયંત્રિત કરવા માટે સતત કડક પગલાં લઈ રહી છે અને PGP પરનો આ પ્રતિબંધ પણ તે જ રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
નવા નિયમો બાદ જેઓ પોતાના પરિવારને કેનેડા બોલાવવા માંગે છે, તેમને સરકારે ‘સુપર વિઝા’ (Super Visa) નો વિકલ્પ પસંદ કરવા સલાહ આપી છે. સુપર વિઝાના નિયમો જો કે થોડા કડક છે.
આ વિઝા હેઠળ માતા-પિતા કે દાદા-દાદી એકસાથે સળંગ 5 વર્ષ સુધી કેનેડામાં રહી શકે છે.
આ વિઝાની કુલ વેલિડિટી (માન્યતા) 10 વર્ષ સુધીની હોય છે.
અરજદારે ફરજિયાતપણે હેલ્થ ઇન્સ્યોરન્સ (તબીબી વીમો) લેવો પડે છે.
કેનેડામાં રહેતા સ્પોન્સરે તમામ આર્થિક જવાબદારી ઉઠાવવાની રહેશે અને લઘુત્તમ આવક (મિનિમમ ઇનકમ) ની શરત પૂરી કરવી પડશે.
(5:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
