<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

નેતન્યાહુને મોટો ઝટકો: મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ઇઝરાયેલને કડક તાકીદ: 'સીરિયા અને લેબેનોનમાં વધુ પડતા પગ ન ફેલાવો'

વોશિંગ્ટને તેલ અવીવને આપ્યો સંકેત: યુદ્ધ લાંબુ ખેંચાશે તો અમેરિકી સમર્થન મુશ્કેલ બનશે:પશ્ચિમી મીડિયામાં ભારે ચર્ચા

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં ઇઝરાયેલ, હમાસ, હિઝબુલ્લાહ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા લોહીયાળ જંગ વચ્ચે વૈશ્વિક સમીકરણો બદલાઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સીધી ચેતવણી અને સલાહના સુરમાં જણાવ્યું છે કે સીરિયા અને લેબેનોન મોરચે લાંબા સમય સુધી સૈન્ય રાખવું ઇઝરાયેલના પોતાના હિતમાં નથી. ટ્રમ્પના મતે, આ સૈન્ય મોરચાઓને તાત્કાલિક સમેટી લેવા જોઈએ જેથી પ્રદેશમાં ભીષણ પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળતું રોકી શકાય.

આ ફોન કોલ પૂર્વે તૂકિયેમાં યોજાયેલી નાટો (NATO) શિખર સંમેલન દરમિયાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સીરિયાના પ્રમુખ અહેમદ અલ-શરા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકના બીજા જ દિવસે ટ્રમ્પે નેતન્યાહૂને ફોન કરીને આ કડક આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો હતો, પરંતુ ત્યારબાદ ઇઝરાયલે પોતાનું ધ્યાન સીરિયા અને લેબેનાન તરફ કેન્દ્રિત કરીને ત્યાં સૈન્ય કાર્યવાહી વધારી દીધી હતી.

અમેરિકન પ્રશાસન છેલ્લા ઘણા મહિનાઓથી ઇઝરાયલ અને સીરિયા વચ્ચે નવો સુરક્ષા કરાર કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો કે, અમેરિકન અધિકારીઓનું કહેવું છે કે નેતન્યાહૂ આ મામલે કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી. ડિસેમ્બર 2024માં અસદ શાસનના પતન બાદ ઇઝરાયલે સીરિયાના જે વિસ્તારો પર કબજો કર્યો છે, ત્યાંથી તે સેના હટાવવા રાજી નથી. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે નિવેદન આપ્યું છે કે સરહદો પર સુરક્ષા ઝોન જાળવી રાખવો તેમના દેશની સુરક્ષા માટે અનિવાર્ય છે.

ઇઝરાયલી સેનાએ હાલ દક્ષિણ લેબેનાન અને દક્ષિણ સીરિયાના મોટા ભાગો પર નિયંત્રણ મેળવેલું છે. ઇઝરાયલના કેટલાક કટ્ટરપંથી અધિકારીઓ તો આ વિસ્તારોમાં યહૂદી વસાહતો સ્થાપવાની પણ હિમાયત કરી રહ્યા છે. બીજી તરફ, ઇઝરાયલમાં ત્રણ મહિના પછી સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, જે નેતન્યાહૂના રાજકીય અસ્તિત્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાજકીય દબાણ વચ્ચે નેતન્યાહૂ અમેરિકાની વાત માનીને સૈન્ય પાછું ખેંચે તેવી શક્યતા હાલ નહિવત દેખાઈ રહી છે.

(4:53 PM IST)