<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર

સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ

નવી દિલ્હી:વિશ્વના આર્ટ અને હરાજી બજારમાંથી એક એવા ચોંકાવનારા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા છે. સામાન્ય રીતે રસોડામાં જોવા મળતા સૂપના ડબ્બાનું એક પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાયું હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય કલા જગત અને સોશિયલ મીડિયામાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

સુપરમાર્કેટમાં સામાન્ય રીતે થોડા ડોલરમાં મળતા સૂપના ડબ્બાની તસવીરની કિંમત કરોડો રૂપિયા હોઈ શકે? ન્યૂયોર્કમાં યોજાયેલી હરાજીમાં આ સવાલનો જવાબ મળ્યો છે. વિશ્વપ્રસિદ્ધ કલાકાર એન્ડી વોરહોલની ૧૯૬૨માં બનાવેલી કેમ્પબેલ્સ સૂપ કેન પેઇન્ટિંગ ૯૦.૨૬ લાખ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦ કરોડથી વધુમાં વેચાઈ છે. ૬૪ વર્ષ જૂની આ કૃતિએ હરાજીમાં કળાપ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું છે. ક્રિસ્ટીઝના ન્યૂયોર્ક ખાતે યોજાયેલી હરાજીમાં આ પેઇન્ટિંગની બોલી ૪૦ લાખ ડોલરથી શરૂ થઈ હતી. સ્પર્ધાત્મક બોલી બાદ તે ૯૦.૨૬ લાખ ડોલર થઈ હતી. આ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે વોરહોલે તેને હાથથી તૈયાર કરી હતી. તેમણે લિનન પર કેસિન અને ગ્રેફાઇટનો ઉપયોગ કરીને સૂપના ડબ્બાનું ચિત્ર બનાવ્યું હતું. વોરહોલની આ કૃતિ તેમની જાણીતી કેમ્પબેલ્સ સૂપ કેન શ્રેણીનો ભાગ છે. પાછળથી તેમણે આ જ વિષય પર સિલ્કસ્ક્રીન પ્રિન્ટિંગ દ્વારા અનેક કૃતિઓ બનાવી હતી.
એન્ડી વોરહોલે કળાની પરંપરાગત વ્યાખ્યાથી અલગ રસ્તો અપનાવ્યો હતો. તેમણે રોજિંદા જીવનમાં જોવા મળતી વસ્તુઓ, જાહેરાતો, ખાદ્ય પદાર્થોના પેકેટ અને ફિલ્મી કલાકારોને પોતાની કળાનો વિષય બનાવ્યા હતા. કેમ્પબેલ્સ સૂપના ડબ્બા પણ તેમની આવી જ કલ્પનાનું પરિણામ હતા. વોરહોલે એક વખત જણાવ્યું હતું કે તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી દરરોજ બપોરે કેમ્પબેલ્સ સૂપ પીતા હતા. આ સામાન્ય વસ્તુને તેમણે પોતાની કળા દ્વારા વૈશ્વિક ઓળખ અપાવી હતી.

(6:22 PM IST)