<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કૂટનીતિ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં:દૂતાવાસ બંધ કરીને રાજદ્વારીઓને 48 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલોથી ભારે હાહાકાર

યુરોપના તટસ્થ દેશ ગણાતા સ્વિટ્ઝર્લેન્ડ સામે પ્યોંગયાંગનું આક્રમક અને ચોંકાવનારું વલણ સામે આવતા વૈશ્વિક રાજદ્વારી વર્તુળોમાં ખળભળાટ: 48 કલાકના અલ્ટિમેટમ અને દૂતાવાસ બંધ કરવાના નિર્ણય પાછળના કારણો અંગે તર્ક-વિતર્કો તેજ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા અને ચકચાર

નવી દિલ્હી:વૈશ્વિક રાજકારણ અને કૂટનીતિના મોરચે એક અત્યંત સનસનાટીભર્યા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સ્વિટ્ઝર્લેન્ડ પર ભડક્યાં છે અને દૂતાવાસ બંધ કરીને રાજદ્વારીને 48 કલાકમાં દેશ છોડી દેવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલોથી આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ભારે હડકંપ અને ચકચાર મચી ગઈ છે.

આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં ઉત્તર કોરિયાના પૂર્વી શહેર વોન્સનમાં આવેલો 'સોંગડોવોન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ કેમ્પ' છે, જ્યાં રશિયા અને ચીન સહિત ઘણા દેશોના બાળકો આવે છે. સ્વિત્ઝરલેન્ડે આ કેમ્પને પ્રતિબંધોની યાદીમાં સામેલ કર્યો છે. સ્વિસ અધિકારીઓનો આરોપ છે કે રશિયાના કબજા હેઠળના યુક્રેનિયન વિસ્તારોમાંથી બાળકોને ઉત્તર કોરિયા લાવવા માટે આ કેમ્પનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મામલાને રશિયા-યુક્રેન યુદ્ધ સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે અને અગાઉ યુરોપિયન યુનિયન તથા બ્રિટન પણ આ કેમ્પ પર પ્રતિબંધ મૂકી ચૂક્યા છે. જોકે, ઉત્તર કોરિયાએ આ આરોપોને ફગાવી દીધા છે. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી KCNAએ સ્વિત્ઝરલેન્ડના નિર્ણયને 'ખુલ્લી દુશ્મની ભર્યું પગલું' ગણાવતા કહ્યું કે, 'આ કાર્યવાહીથી ઉત્તર કોરિયાની સાર્વભૌમત્વ અને તેના નાગરિકોના હિતોનું અપમાન થયું છે.'

ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે પ્યોંગયાંગમાં સ્વિત્ઝરલેન્ડની રાજદ્વારી ઑફિસના પ્રમુખ સિલ્વેન એસ્ટિયરને બોલાવીને એક મેમો સોંપ્યો હતો, જેમાં ઑફિસ બંધ કરવા અને 48 કલાકની અંદર દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. KCNAના જણાવ્યા અનુસાર, ઉત્તર કોરિયાએ સ્વિસ પ્રતિનિધિને 'પર્સોના નોન ગ્રાટા' જાહેર કર્યા છે, જેનો સરળ અર્થ એ થાય છે કે યજમાન દેશ હવે કોઈ રાજદ્વારીને પોતાના દેશમાં સ્વીકારવા માંગતો નથી. આ પગલું એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે સ્વિત્ઝરલેન્ડ એવા પસંદગીના પશ્ચિમી દેશોમાં સામેલ છે, જે ઉત્તર કોરિયા સાથે વાતચીત અને સંપર્ક જાળવી રાખે છે.

આ નિર્ણયથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે કારણ કે સ્વિત્ઝરલેન્ડના વિદેશ મંત્રી ઇગ્નાઝિયો કેસિસે તાજેતરમાં જ ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે વાતચીત થઈ હતી અને 6 વર્ષ બાદ ઓક્ટોબર 2026માં પ્યોંગયાંગ સ્થિત સ્વિત્ઝરલેન્ડની સહયોગ ઑફિસ ફરીથી ખોલવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બંને દેશો વચ્ચે 1974માં રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા અને 1997માં માનવીય તથા સહયોગના કાર્યો માટે આ ઑફિસ ખોલાઈ હતી, જેને કોરોના મહામારી દરમિયાન 2020માં બંધ કરી દેવાઈ હતી.

(4:47 PM IST)