<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

યુક્રેનમાં કાળમુખો મહાવિનાશક સનસનાટીભર્યો ધડાકોઃ પ્રમુખ ઝેલેન્સકીના વિમાન સાથે કાળમુખું ડ્રોન અથડાતાં-અથડાતાં રહી ગયું: ઝેલેન્સકીનો રોમાંચક આબાદ બચાવ

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે વિશ્વ રાજકારણના હોશ ઉડાડી દેતી કાળજું કંપાવી દેતી ઘટના: પ્રમુખ ઝેલેન્સકીના સત્તાવાર વિમાનની અતિ-નજીકથી કાળમુખું ડ્રોન વિજળીક ઝડપે પસાર થતાં ભયાનક સન્નાટોઃ સુરક્ષા તંત્ર અને એરફોર્સની અતિ-ગંભીર અને રાક્ષસી ચૂક સામે આવતાં હાહાકાર: વિમાનમાં ક્ષણવાર માટે પેસેન્જર્સ અને પાઈલટોના જીવ તાળવે ચોંટી ગયા

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય અને વિશ્વના દેશોના હોશ ઉડાડી દેતો એક અત્યંત ચોંકાવનારો, સનસનાટીભર્યો અને કાળજું કંપાવી દેતો વિસ્ફોટક ધડાકો સામે આવ્યો છે! યુક્રેનના પ્રમુખ વોલોડિમીર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) ના વિમાન સાથે એક રાક્ષસી કાળમુખું ડ્રોન સીધું અથડાતાં-અથડાતાં રહી ગયું છે! વીઆઈપી સિક્યોરિટીની આ મસમોટી અને પિશાચી ચૂક વચ્ચે પ્રમુખ ઝેલેન્સકીનો કાળમુખી હોનારતમાંથી અકલ્પનીય આબાદ બચાવ થયો છે!

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાર સ્ટોરેએ સરકારી પ્રસારક એનઆરકે સાથેની વાતચીતમાં આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે મોલ્ડોવાથી ઉડાન ભરતી વખતે યુક્રેનિયન પ્રમુખનું વિમાન લગભગ એક ડ્રોનની ચપેટમાં આવી ગયું હતું. આ ઘટના ઝેલેન્સ્કીની મુસાફરી દરમિયાનના સુરક્ષા જોખમોને સ્પષ્ટપણે ઉજાગર કરે છે, જોકે આ મામલે યુક્રેનિયન અધિકારીઓ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

મંગળવારે સાંજે સુરક્ષિત રીતે ઓસ્લો પહોંચેલા ઝેલેન્સ્કીએ નોર્વેના નાણા મંત્રી જેન્સ સ્ટોલ્ટનબર્ગ સાથેની મુલાકાતમાં આ ભયાનક ઘટનાની જાણકારી આપી હતી. નોર્વેના વડાપ્રધાન કાર્યાલયના રાજ્ય સચિવ ભાનુજા રસિયાહે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મોલ્ડોવા એરસ્પેસમાં ડ્રોનનું જોખમ ઊભું થવાને કારણે યુક્રેનિયન પ્રમુખની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી રવાના થઈ હતી.

મુસાફરી દરમિયાન આટલા મોટા સુરક્ષા જોખમો અને મુશ્કેલીઓનો સામનો કરવા છતાં ઝેલેન્સ્કી સમયસર નોર્વે પહોંચ્યા હતા અને દિવંગત રાજા હેરાલ્ડના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અન્ય દિગ્ગજ નેતાઓ સાથે સામેલ થયા હતા. અંતિમ સંસ્કારમાં હાજરી આપ્યા બાદ ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દિવંગત રાજાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે યુક્રેન હંમેશા નોર્વે દ્વારા મળેલા સહકાર માટે આભારી રહેશે, જે માત્ર સરકાર તરફથી જ નહીં પરંતુ શાહી પરિવાર અને ત્યાંના લોકો તરફથી પણ મળ્યો છે.

(6:26 PM IST)