<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

અમેરિકામાં ધાર્મિક સ્થળ લોહીલુહાણ: સાન ડિએગોની સૌથી મોટી મસ્જિદમાં સશસ્ત્ર ટીનએજરોનો આતંક, અંધાધૂંધ ગોળીબારમાં ૩ નાં મોત

નફરતના પાપે ભયાનક નરસંહાર: ભારે સેફ્ટી કવચ સાથે ત્રાટકેલા ૧૭ અને ૧૮ વર્ષના બે હુમલાખોરોએ મસ્જિદને નિશાન બનાવી:૩ ની હત્યા બાદ શંકાસ્પદોએ કારમાં કરી આત્મહત્યા:સિક્યોરિટી ગાર્ડે જાનની બાજી લગાવી ૧૪૦ બાળકોના જીવ બચાવ્યા: એફબીઆઈ (FBI) દ્વારા હેટ ક્રાઈમ હેઠળ તપાસ શરૂ

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી સાન ડિએગો કાઉન્ટીની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત મસ્જિદ 'ઇસ્લામિક સેન્ટર ઓફ સાન ડિએગો' ખાતેથી લોહીયાળ કિંગાણા અને હેટ ક્રાઈમ (Hate Crime) ની એક અત્યંત ચોંકાવનારી વારદાત સામે આવી છે. સંપૂર્ણ સૈન્ય ગિયર અને અદ્યતન હથિયારોથી સજ્જ થઈને આવેલા બે ટીનએજર યુવાનોએ મસ્જિદ સંકુલમાં ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ભયાનક હુમલામાં મસ્જિદના બહાદુર સિક્યોરિટી ગાર્ડ સહિત કુલ ૩ વરિષ્ઠ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે હુમલો કરીને ભાગેલા બંને બદમાશોએ પોલીસના સકંજામાં આવતા પહેલા જ પોતાની કારમાં આત્મહત્યા કરી લીધી છે.

આ માહિતી આપતાં સાન ડીગોના પોલીસ ચીફ સ્કોટ વાલ્ટે, મસ્જીદ પાસેનાં જ પાર્કમાં પત્રકારોને કરેલાં સંબોધનમાં કહ્યું હતું કે બે ટીનએજર્સોએ આ ઇસ્લામિક સેન્ટરમાં ઘૂસી જઈ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો. જેમાં ત્રણનાં મૃત્યુ થયાં હતાં અને અનેકને ઇજાઓ થઇ હતી.

પોલીસ ચીફે વધુમાં કહ્યું હતું કે આ ઘટના પાછળનાં કારણો તો વધુ તપાસ કરીશું ત્યારે જાણવા મળશે. પરંતુ મુશ્કેલી તે છે કે તે બંને ટીન એજર્સ ગોળીબાર કરી પાર્કિંગ લોટમાં ચાલ્યા ગયા હતા. જ્યાં તે બંનેએ આત્મહત્યા કરી હતી.

આ પછી પોલીસે તે શંકાસ્પદ હત્યારા પૈકી એકની માતાને મળ્યા અને પૂછતાછ ચાલુ કરી પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ અને સંતોષકારક જવાબો આપ્યા ન હતા.

વિશ્લેષકો કહે છે કે અમેરિકામાં ઇસ્લામ ધર્મીઓ પ્રત્યે ધિક્કારની લાગણી વધતી ગઇ છે તેનું આ પરિણામ છે. તે હત્યારાની માતાએ એક નોટ પણ પોલીસને દર્શાવી હતી. પરંતુ પોલીસે તેની વિગતો ગુપ્ત રાખી છે.

 

 

(5:06 PM IST)