<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

કેન્દ્ર સરકારનો મોટો અને ચોંકાવનારો નિર્ણય: ચીનની ચાર પાવર કંપનીઓને સરકારી પ્રોજેક્ટ્સમાં બોલી લગાવવા લીલી ઝંડી

વ્યૂહાત્મક ક્ષેત્રે મોટો વળાંક: સરહદી તણાવ વચ્ચે ડ્રેગનની કંપનીઓની ભારતમાં સત્તાવાર એન્ટ્રી થતાં આર્થિક મોરચે ગરમાવો: ઉદ્યોગ જગતમાં ભારે ચર્ચા

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના ભૌગોલિક અને રાજકીય તણાવની વચ્ચે દેશના પાવર સેક્ટર (વીજળી ક્ષેત્ર) માંથી એક અત્યંત મોટા અને સનસનાટીભર્યા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કેન્દ્ર સરકારે ચીનની ચાર દિગ્ગજ પાવર કંપનીઓને ભારતના સરકારી પ્રોજેક્ટ્સમાં બોલી (Bidding) લગાવવા માટે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. વિગત મુજબ, અગાઉ સુરક્ષાના કારણોસર ચાઈનીઝ કંપનીઓ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધો અને નિયમો વચ્ચે આ નવી મંજૂરી મળતાં આર્થિક અને ઔદ્યોગિક વર્તુળોમાં ભારે આશ્ચર્ય સાથે ખળભળાટ મચી ગયો છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર, તમામ સુરક્ષા માપદંડો અને કડક સ્ક્રીનિંગ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ જ આ ચાર કંપનીઓને લીલી ઝંડી આપવામાં આવી છે, જેથી આગામી સમયમાં કરોડોના ખર્ચે આકાર લેનારા પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ડ્રેગનની આ કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરતી જોવા મળશે, જેને પગલે બિઝનેસ આલમમાં ગરમાગરમ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે.

નાણામંત્રાલયે ચીનની ચાર કંપનીઓ ટીબીઈએ એનર્જી, નાનજિંગ ઈલેક્ટ્રિક ઈન્ડિયા, ન્યૂ નોર્થઈસ્ટ ઈલેક્ટ્રિક ઈન્ડિયા અને તાઈકાઈ ઈલેક્ટ્રિક (ઈન્ડિયા)ને સરકારી પ્રોજેક્ટમાં બોલી લગાવવાની ૨૪ જૂને મંજૂરી આપી છે. ઊર્જા મંત્રાલયે જાન્યુઆરીમાં ચીનની એવી કંપનીઓને સરકારી પ્રોજેક્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવાની માગ કરી હતી જેમના ઉત્પાદન એકમો ભારતમાં છે અને તેઓ મહત્વપૂર્ણ વીજઉત્પાદન પ્રોજેક્ટમાં ભાગ લે છે. ઊર્જા મંત્રાલયે ઘરેલુ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ ટેક્નોલોજી ઈક્વિપમેન્ટના પૂરવઠામાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાના આશયથી આ મંજૂરી માગી હોવાનું કહેવાય છે. વર્ષ ૨૦૨૦માં ગલવાન હિંસા પછી ભારતે ચીની કંપનીઓ પર કોઈપણ સરકારી કોન્ટ્રાક્ટમાં બોલી લગાવતા પહેલાં સરકારી પેનલમાં નોંધણી કરાવવાની અને રાજકીય તથા સુરક્ષા મંજૂરી મેળવવાની ફરજ પાડી છે.

(5:22 PM IST)