તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ રેન્કિંગમાં ચીને અમેરિકાને આપી ધોબીપછાડ:સંપૂર્ણ સ્વદેશી 'લાઇનશાઇન' સુપરકમ્પ્યુટર ૨.૧૯ એક્ઝાફ્લોપ્સની પ્રચંડ સ્પીડ સાથે વિશ્વમાં નંબર-૧: અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ચીનનું ઐતિહાસિક પાવર પ્રદર્શન
યુએસના 'એલ કેપિટન' ને પાછળ છોડી મેળવ્યો આંતરરાષ્ટ્રીય તાજ, ૧.૩૭ કરોડથી વધુ કોર્સની ક્ષમતા સાથે મેળવી સર્વોચ્ચ સફળતા: અમેરિકી જીપીયુ (GPU) વગર માત્ર ઇન-હાઉસ સીપીયુ ટેકનોલોજીના દમ પર મેળવેલી સિદ્ધિથી પશ્ચિમી દેશોના વિજ્ઞાનીઓ અવાક

નવી દિલ્હી: સુપર કમ્પ્યુટરની દુનિયામાં પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે ચાલી રહેલી વૈશ્વિક સ્પર્ધા વચ્ચે ચીને અમેરિકાને જોરદાર પછડાટ આપીને નવો ઇતિહાસ રચી દીધો છે. જર્મનીના હેમ્બર્ગ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સુપરકમ્પ્યુટિંગ કોન્ફરન્સ (ISC 2026) માં જાહેર થયેલી વૈશ્વિક TOP500 સિસ્ટમ્સની ૬૭મી આવૃત્તિના ઓડિટ રિપોર્ટ મુજબ, ચીનના શેનઝેન ક્લાઉડ કમ્પ્યુટિંગ સેન્ટર દ્વારા નિર્મિત 'લાઇનશાઇન' (LineShine) સુપરકમ્પ્યુટરે ૨.૧૯૮ એક્ઝાફ્લોપ્સની સસ્ટેન્ડ ડબલ-પ્રિસિઝન પર્ફોર્મન્સ સ્પીડ સાથે વિશ્વના સૌથી શક્તિશાળી કમ્પ્યુટર તરીકે ટોચનું સ્થાન કબજે કર્યું છે.
મંગળવારે જાહેર થયેલી TOP500ની તાજી યાદીમાં ‘લાઇનશાઇન’ સુપર કમ્પ્યુટરને પહેલીવાર સામેલ કરવામાં આવ્યું છે અને તે સીધું જ પ્રથમ સ્થાને પહોંચ્યું છે. આ સુપર કમ્પ્યુટરની ક્ષમતા 2.198 Exaflopsની ઝડપે કાર્ય કરવાની છે. સરળ ભાષામાં કહીએ તો, આ કમ્પ્યુટર માત્ર 1 સેકન્ડમાં 2 ક્વિન્ટિલિયનથી પણ વધુ ગણતરીઓ કરી શકે છે (એટલે કે 2ની પાછળ 18 શૂન્ય લાગે એટલી મોટી સંખ્યાની ગણતરીઓ પ્રતિ સેકન્ડ થાય છે).
વૈશ્વિક સ્તરે કોઈ પણ દેશની ટેકનોલોજીકલ ક્ષમતા માપવા માટે TOP500 રેન્કિંગને મુખ્ય માપદંડ માનવામાં આવે છે. હાલમાં વિશ્વમાં માત્ર 5 સુપર કમ્પ્યુટર્સને જ સત્તાવાર રીતે ‘એક્સાસ્કેલ’ એટલે કે સૌથી ઝડપી શ્રેણી માનવામાં આવ્યા છે, જેની યાદી નીચે મુજબ છે:
• પ્રથમ સ્થાન: લાઇનશાઇન (ચીન, શેનઝેન નેશનલ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર)
• બીજું સ્થાન: એલ કેપિટન (અમેરિકા, કેલિફોર્નિયાની લોરેન્સ લિવરમોર નેશનલ લેબોરેટરી)
• ત્રીજું અને ચોથું સ્થાન: અમેરિકાના જ બે અન્ય સુપર કમ્પ્યુટર્સ (ટેનેસી અને ઇલિનોયની નેશનલ લેબોરેટરીઝમાં સ્થાપિત)
• પાંચમું સ્થાન: જ્યુપિટર (જર્મની)
ચીનના આ સુપર કમ્પ્યુટરની સૌથી મોટી અને ખાસ વાત એ છે કે તે સામાન્ય કમ્પ્યુટર ચિપ એટલે કે CPU પર કાર્ય કરે છે. સામાન્ય રીતે આજના સમયમાં વિશ્વના મોટાભાગના ઝડપી સુપર કમ્પ્યુટર્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંબંધિત જટિલ કાર્યો માટે GPU ચિપનો ઉપયોગ કરે છે. જોકે ચીને માત્ર CPUના શ્રેષ્ઠ કન્ફિગરેશનના આધારે આ અશક્ય સિદ્ધિ મેળવી બતાવી છે. TOP500ના રિપોર્ટ અનુસાર, આ વિશાળ સુપર કમ્પ્યુટરને ચલાવવા માટે આશરે 42.2 MW વીજળીની જરૂર પડે છે.
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
