<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

વાદળો વરસે કે ન વરસે પરંતુ આજથી આકાશમાં એક મહિના સુધી અદ્ભુત ઉલ્કાવર્ષાનો નઝારો: પ્રતિ કલાકે સર્જાશે અવકાશી ઘટના

બ્રહ્માંડમાં આતશબાજી જેવો નયનરમ્ય માહોલ સર્જાશે: પર્સિડ ઉલ્કાવર્ષાના કારણે રાત્રિના અંધકારમાં આકાશમાંથી તારા તૂટતા હોય તેવા અદભુત દ્રશ્યો જોવા મળશે

નવી દિલ્હી: વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ ગણાતી પર્સિડ ઉલ્કાવર્ષા (Meteor Shower) નો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, જે આગામી એક મહિના સુધી આકાશમાં સક્રિય રહેશે અને આ સમયગાળા દરમિયાન દર કલાકે અસંખ્ય ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશીને સળગી ઉઠતા આકાશમાં પ્રકાશના લિસોટા જેવી અદ્ભુત આતશબાજી જોવા મળશે; ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર ધૂમકેતુ દ્વારા પાછળ છોડવામાં આવેલા અવશેષો જ્યારે પૃથ્વીની ભ્રમણકક્ષાની નજીક આવે છે ત્યારે આ પ્રકારની ઘટના સર્જાય છે, જેમાં ઓગસ્ટ મહિનાના મધ્યમાં આ ઉલ્કાવર્ષા તેની ચરમસીમાએ હશે અને પ્રદૂષણ વગરના ખુલ્લા આકાશમાં મધ્યરાત્રિ પછી કોઈ પણ વિશેષ ટેલિસ્કોપ વગર પણ આ નયનરમ્ય નઝારો નરી આંખે સ્પષ્ટ જોઈ શકાશે, જેને પગલે વિશ્વભરના વિજ્ઞાનપ્રેમીઓ અને સ્પેસ રિસર્ચર્સમાં આ અદ્ભુત અવકાશી ઘટનાને નિહાળવા માટે ભારે ઉત્સુકતા વ્યાપી ગઈ છે.
જ્યારે પૃથ્વી પોતાની ભ્રમણકક્ષામાં ફરતી વખતે ધૂમકેતુઓ દ્વારા પાછળ છોડવામાં આવેલા અવશેષો અને ધૂળના રજકણોના વાદળમાંથી પસાર થાય છે, ત્યારે આ કણો પૃથ્વીના વાતાવરણમાં પ્રચંડ વેગ (આશરે 30 કિમી પ્રતિ સેકન્ડ) સાથે પ્રવેશ કરે છે. વાતાવરણના વાયુઓ સાથેના ઘર્ષણને કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને આકાશમાં પ્રકાશિત લીસોટા રૂપે જોવા મળે છે, જેને આપણે 'ઉલ્કાવર્ષા' કે 'ફાયરબોલ' કહીએ છીએ.
નિષ્ણાતોના મતે, આજથી એક મહિના સુધી સ્વચ્છ આકાશમાં પ્રતિ કલાક 15થી 20 ઉલ્કાઓ પડતી જોવા મળી શકે છે. પૃથ્વી પર દરરોજની આશરે 40 ટન જેટલી ઉલ્કા પ્રવેશતી હોય છે મોટાભાગની ઉલ્કા આ વાતાવરણમાં જ સળગીને રાખ થઈ જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર અત્યાર સુધીમાં આ ઉલ્કાઓની રાખનો એક ઇંચથી વધુ જાડો થર જમા થઈ ગયો છે, જેમાં લોખંડ અને નિકલ જેવા તત્ત્વોની હાજરી હોય છે.
શ્રેષ્ઠ સમય: મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢ સુધીનો સમય આકાશમાં ખરતી ઉલ્કાવર્ષાનો નજારો માણવા માટે સૌથી ઉત્તમ છે.
ક્યાં જોવી: ઉલ્કાવર્ષા જોવા માટે શહેરના પ્રદૂષણ અને પ્રકાશથી દૂર હોય તેવી નિર્જન, દરિયાઈ કિનારા કે પર્વતીય જગ્યાઓ પસંદ કરવી જોઈએ..
કેવી રીતે જોવી: આ માટે કોઈપણ ખાસ સાધન કે ટેલિસ્કોપની જરૂર નથી, તમે તેને નરી આંખે પણ સ્પષ્ટ જોઈ શકો છો. જોકે, વધુ સારી રીતે અવલોકન કરવા માટે 10-50ના મેગ્નિફિકેશન વાળા દૂરબીનનો ઉપયોગ કરી શકાય છે.

 

(5:19 PM IST)