News of Friday, 8th May 2026
યુદ્ધની આગમાં હોમાયું સામાન્ય માણસનું બજેટ: ઈરાન-અમેરિકાના તણાવથી મોંઘવારીનો ‘મહાસ્ફોટ’
દુનિયાભરમાં હાહાકાર: ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું:શાકભાજીથી લઈને અનાજ સુધી બધું જ મોંઘુંદાટ:શું મધ્યમ વર્ગ પિસાઈ જશે? અર્થતંત્રના ટાયર પંચર થયા:લોકો ત્રાહિમામ, હવે તો ભગવાન જ બચાવે

નવી દિલ્હી: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા સૈન્ય તણાવની અત્યંત ગંભીર અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (કાચા તેલ) ના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. પરિણામે દુનિયાભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેની 'ડોમિનો ઈફેક્ટ' દરેક ચીજવસ્તુઓ પર જોવા મળી રહી છે.
ફ્રેન્ચ ચિંતક મોન્ટેસ્કુનું આ મતલબનું વાક્ય વૈશ્વિક સ્તરે શાંતિ અને વેપારના સંદર્ભમાં વારંવાર ટાંકવામાં આવે છે. બે રાષ્ટ્રોએ વેપાર કરવો હોય તો બંને વચ્ચે શાંતિ અનિવાર્ય છે. યુદ્ધ કે તંગદિલી ચાલતી હોય ત્યારે વેપાર અટકી પડે છે. ભારત-ચીન વચ્ચે દોકલામ સંઘર્ષ થયો તો બંને પક્ષે વેપાર અટકી ગયો. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર ચાલ્યું તો કરોડોનો વેપાર લટકી પડયો. બધા દેશો એ વાત સમજે છે કે યુદ્ધ અને વેપાર સાથે ચાલી શકે નહીં. વેપાર શરૂ કરવા કે વેપાર વધારવા માટે શાંતિ સ્થાપવી કે શાંતિ જાળવી રાખવી અનિવાર્ય છે. તે વગર વેપાર શક્ય બનતો નથી. જો દુનિયામાં સંઘર્ષ, યુદ્ધ કે અશાંતિ હોય તો વેપાર પ્રભાવિત થાય છે ને એવું જ ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે થઈ રહ્યું છે.
ઈરાન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઘર્ષણના કારણે હોર્મુઝની ખાડી હજુય બંધ છે. વિશ્વનો ૨૦-૨૨ ટકા વેપાર હોર્મુઝની ખાડી મારફતે થાય છે. દુનિયામાં ૨૦ ટકા ક્રૂડ હોર્મુઝની ખાડીમાંથી પસાર થાય છે. આ રસ્તો બંધ થતાં દુનિયાના કેટલાય દેશોમાં ક્રૂડની અછત સર્જાવાની ભીતિ છે. ચીન-ભારત-ફ્રાન્સ જેવા કેટલાય દેશો અને સંયુક્ત રાષ્ટ્રસંઘ, યુરોપિયન સંઘ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા અનેક સંગઠનોએ હોર્મુઝની ખાડી ખોલીને વૈશ્વિક વેપાર પૂર્વવત્ કરવાની હિમાયત કરી છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તો એક મહિના પહેલાં ચેતવણી આપી હતી કે જો હોર્મુઝને રસ્તે થતો વેપાર ફરીથી શરૂ નહીં થાય તો દુનિયામાં મોંઘવારી વધી જશે.
...ને હવે એમ જ થયું છે. ઈરાનની હાલત તો શરૂઆતથી જ ખરાબ છે. યુદ્ધમાં ભલે અમેરિકાને ટક્કર આપી હોય, પરંતુ સ્થાનિક સ્તરે મોંઘવારી એટલી બેકાબૂ બની છે કે લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ફુગાવાના કારણે ઈરાનની સરકારે વધુ મૂલ્યની નોટો બહાર પાડવી પડી છે. એક કરોડ રિયાલની નોટ પણ બહાર પડી છે, જે ઈરાનના ઈતિહાસમાં સૌથી વધુ રકમની નોટ છે. એક કરોડ રિયાલની કિંમત ભારતના રૂપિયામાં ગણીએ તો માંડ ૬૦૦-૭૦૦ રૂપિયા થાય છે. ઈરાન ભલે અત્યારે દમખમ લગાવીને લડી રહ્યું છે, પરંતુ તેને આ યુદ્ધમાંથી બેઠાં થતાં એક દશકો લાગી જશે. ઈરાન તો ઠીક અમેરિકા પણ મોંઘવારીના મારથી બચી શક્યું નથી.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
