<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સાયબર માફિયાઓ પર એપલનો મહાપ્રહાર: વર્ષ ૨૦૨૫માં ૧૮,૦૦૦ કરોડ રૂપિયાનું મસમોટું ઓનલાઈન ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોક્યું

લાખો યુઝર્સના એકાઉન્ટ્સ બચ્યા: ફેક એપ્લિકેશન્સ અને ચોરેલા ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ખેલાતો હતો મોટો ખેલ:એપલ સ્ટોરની કડક સિક્યોરિટી અને એડવાન્સ AI સિસ્ટમે ગઠિયાઓનો મનસૂબો તોડી પાડ્યો

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે સાયબર ક્રાઈમના વધતા જતા આતંક વચ્ચે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેકનોલોજી કંપની એપલે (Apple) સાયબર ગુનેગારોની કમર તોડી નાખી છે. કંપની દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, વર્ષ ૨૦૨૫માં એપલે તેના એપ સ્ટોર (App Store) અને પેમેન્ટ ઇકોસિસ્ટમ દ્વારા થનારા આશરે ૧૮ હજાર કરોડ રૂપિયાના શંકાસ્પદ અને છેતરપિંડીથી ભરેલા વ્યવહારોને લાઈવ ટ્રેકિંગ કરીને બ્લોક કરી દીધા છે. આ કડક ઓપરેશનને કારણે લાખો સામાન્ય નાગરિકો અને ગ્રાહકો પોતાની આજીવિકા ગુમાવતા બચી ગયા છે.

Appleના સત્તાવાર અહેવાલ અનુસાર, છેલ્લા છ વર્ષમાં કંપનીએ App Store પર કુલ 11.2 બિલિયન ડોલરથી વધુના શંકાસ્પદ અને ફ્રોડ ટ્રાન્ઝેક્શન રોકવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં App Store વિશ્વના 175 દેશોમાં કાર્યરત છે અને દર અઠવાડિયે અંદાજે 85 કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે, જેના કારણે યુઝર્સની સુરક્ષા સુનિશ્ચિત કરવી કંપની માટે મોટો પડકાર છે.

કંપનીએ સ્પષ્ટતા કરી છે કે પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ફેક એપ્સ, નકલી રિવ્યૂ, સ્પેમ મેસેજ અને પેમેન્ટ ફ્રોડ સામે લડવા માટે અદ્યતન AI આધારિત સિસ્ટમની સાથે હ્યુમન એક્સપર્ટ્સ પણ ચોવીસ કલાક કાર્યરત છે. વર્ષ 2025 દરમિયાન Appleએ 91 લાખથી વધુ એપ સબમિશનની ઝીણવટભરી ચકાસણી કરી હતી, જેમાંથી સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 20 લાખથી વધુ એપ્સના સબમિશન રદ કરવામાં આવ્યા હતા.

સાયબર ગુનેગારો દ્વારા બોટ નેટવર્ક અને નકલી એકાઉન્ટ્સના માધ્યમથી App Storeના રેન્કિંગમાં હેરફેર કરવાના અસંખ્ય પ્રયાસો કરવામાં આવ્યા હતા. જોકે, Appleની સિક્યોરિટી સિસ્ટમે વર્ષ 2025 દરમિયાન આવા 1.1 બિલિયન એટલે કે 110 કરોડ નકલી એકાઉન્ટ્સ બનાવવાની કોશિશને પણ બ્લોક કરીને નિષ્ફળ બનાવી દીધી હતી.

(6:20 PM IST)