<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

ચીનની ખાણમાં મોતોનો મહાતાંડવ: કોલસાની ખાણમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં ૮૨ શ્રમિકો જીવતા ભુંજાયા:૯ જિંદગીઓ હજુય ગુમ

જમીનની સેંકડો ફૂટ નીચે કાળમુખો ધડાકો: કાટમાળ નીચે દટાયેલા શ્રમિકોને કાઢવા મસમોટું રેસ્ક્યૂ ઓપરેશન:ચારેય તરફ લાશોના ઢગલાથી ચીસાચીસ:રાષ્ટ્રપતિ જિનપિંગે આપ્યા હાઈ-લેવલ તપાસના કડક આદેશ

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે સુરક્ષાના નબળા માપદંડોને કારણે અવારનવાર વિવાદોમાં રહેતા ચીનમાં આજે વધુ એક વખત મોટી માઇનિંગ દુર્ઘટના સર્જાઈ છે. ચીનના એક અગ્રણી પ્રાંતમાં આવેલી કોલસાની ખાણની અંદર જ્યારે સેંકડો શ્રમિકો રોજની જેમ જમીનની સેંકડો ફૂટ ઊંડે કાળી મજૂરી કરી રહ્યા હતા, ત્યારે ઓચિંતો જ કોઈ ઝેરી ગેસ ગળતર અથવા ટેકનિકલ ખામીના કારણે જોરદાર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ધડાકો એટલો શક્તિશાળી હતો કે ખાણનો એક મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો અને અંદર કામ કરી રહેલા શ્રમિકોને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તેઓ જીવતા કાળના ગાલમાં હોમાઈ ગયા હતા.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ વિસ્ફોટ કિનયુઆન કાઉન્ટીમાં આવેલી લિયુશેનયુ કોલસાની ખાણમાં થયો હતો. જે સમયે આ ગેસ બ્લાસ્ટ થયો તે સમયે ખાણની અંદર કુલ 247 શ્રમિક રાબેતા મુજબ કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે શ્રમિકને બહાર નીકળવાની તક જ નહોતી મળી. જોકે, રાહતની વાત એ છે કે 200થી વધુ શ્રમિકને સુરક્ષિત રીતે જમીનની બહાર કાઢી લેવામાં આવ્યા છે. શરૂઆતના અહેવાલોમાં માત્ર આઠ લોકોના મોતના સમાચાર હતા, પરંતુ જેમ જેમ બચાવ કામગીરી આગળ વધી તેમ તેમ મૃત્યુઆંક અચાનક વધીને 82 પર પહોંચી ગયો હતો.
આ ભયાનક દુર્ઘટનાબાદ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે તાત્કાલિક એક્શન લીધા છે. રાષ્ટ્રપતિએ અધિકારીઓને આદેશ આપ્યા છે કે ઈજાગ્રસ્તોની સારવાર અને શોધખોળ અભિયાનમાં કોઈ કસર છોડવામાં ન આવે. આ સાથે જ તેમણે અકસ્માતના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને કાયદા અનુસાર કડક જવાબદારી નક્કી કરવાનો આદેશ આપ્યો છે. વડાપ્રધાન લી કિયાંગે પણ સમયસર અને સચોટ માહિતી જાહેર કરવા તેમજ બેદરકારી બદલ કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે.

 

(5:41 PM IST)