News of Tuesday, 2nd June 2026
શું અમર થવા માંગે છે વ્લાદિમીર પુતિન?: રશિયાની સુપર સિક્રેટ લેબમાં માણસને હંમેશા જવાન રાખતી ટેકનોલોજી પર મસમોટું સંશોધન: વૈજ્ઞાનિકો સ્તબ્ધ
ઉંમર વધતી અટકાવવા બાયો-ટેકનોલોજીનો મહાખેલ: માનવ શરીરના અંગો ક્યારેય વૃદ્ધ નહીં થાય: રશિયન વૈજ્ઞાનિકોના અત્યંત ગુપ્ત પ્રોજેક્ટથી પશ્ચિમી દેશોના ધબકારા વધ્યા

નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાની સત્તા અને જિંદગી બંનેને લંબાવવા માટે વિજ્ઞાનનો સહારો લઈ રહ્યા હોવાના એક અત્યંત સણસણતા અહેવાલે વૈજ્ઞાનિક જગતમાં સનાટો મચાવી દીધો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાના કડક અહેવાલો અનુસાર, રશિયાની ટોચની બાયો-મેડિકલ લેબોરેટરીઓમાં એવા પ્રોજેક્ટ્સ પર કરોડો ડોલરનું આંધણ કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ માનવ શરીરના કોષો (Cells) અને અંગોને હંમેશા યુવાન રાખવાનો છે. આ ટેકનોલોજી જો સફળ થાય, તો માણસની ઉંમર વધવાની પ્રક્રિયા (Aging Process) સાવ ધીમી થઈ જશે અથવા અટકી જશે, જેથી વ્યક્તિ લાંબા સમય સુધી દીર્ઘાયુ અને શક્તિશાળી રહી શકશે.
રશિયાના રાષ્ટ્રપતિએ વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરવા માટે 26 અબજ ડોલર (આશરે ₹2.47 લાખ કરોડ) ના ખર્ચે એક મોટો સરકારી પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સરકારનો દાવો છે કે આ મિશન દ્વારા આ દાયકાના અંત સુધીમાં આશરે 1.75 લાખ લોકોના જીવ બચાવી શકાશે. 'દ વોલ સ્ટ્રીટ જર્નલ' ના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ હેઠળ લેબમાં કૃત્રિમ માનવ અંગો તૈયાર કરવા, જીન થેરાપી અને અત્યંત ઓછા તાપમાનવાળી ક્રાયોથેરાપી જેવી તકનીકો પર સંશોધન થઈ રહ્યું છે.
જીન થેરાપી (Gene Therapy): માણસના DNA અથવા જીન્સમાં ફેરફાર કરીને ઘડપણ અટકાવવાનો પ્રયાસ.
3D બાયોપ્રિન્ટિંગ (3D Bioprinting): જીવંત કોષો (Live Cells) ની મદદથી શરીરના અંગો અને ટિશ્યુનું લેબમાં પ્રિન્ટિંગ કરવું.
પેપ્ટાઈડ થેરાપી (Peptide Therapy): કોષોને સક્રિય રાખવા માટે પ્રોટીન જેવા સિન્થેટિક કમ્પાઉન્ડનો ઉપયોગ.
ક્રાયો થેરાપી (Cryotherapy): શરીરને થોડા સમય માટે માઈનસ ડિગ્રી જેવા અત્યંત ઠંડા તાપમાનમાં રાખીને કોલ્ડ થેરાપી આપવી.
સપ્ટેમ્બર 2025માં ચીનમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડ દરમિયાન વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની એક ખાનગી વાતચીત હોટ માઇક (ચાલુ માઇક) પર રેકોર્ડ થઈ ગઈ હતી. પુતિને ટ્રાન્સલેટર દ્વારા જિનપિંગને કહ્યું હતું કે, 'ટેક્નોલોજીમાં જે ઝડપે પ્રગતિ થઈ રહી છે, તે જોતા માણસ પોતાના અંગો સતત બદલીને લાંબા સમય સુધી જીવી શકે છે. લોકો ફરીથી યુવાન થઈ શકે છે અથવા અમર પણ બની શકે છે.' ત્યારે જિનપિંગે હસીને જવાબ આપ્યો હતો કે, 'એવો અંદાજ છે કે, આ સદીના અંત સુધીમાં ભવિષ્યમાં લોકો 150 વર્ષ સુધી જીવતા રહી શકશે.' આ રસપ્રદ વાતચીત વખતે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પણ ત્યાં હાજર હતા અને બંનેને હસતા હસતા જોઈ રહ્યા હતા.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
