તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
ડ્રેગનની નવી નાપાક ચાલ: ભારત પર બાજ નજર રાખવા ચીને સરહદ નજીક ૫,૦૦૦ કિલોમીટરની રેન્જવાળું સુપર રડાર કર્યું એક્ટિવ
નવી દિલ્હીથી લઈને હિંદ મહાસાગર સુધીની તમામ સૈન્ય હલચલ ચીનની રડારમાં કેદ થવાની આશંકાથી ભારતીય ડિફેન્સ એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી :ભારત સાથે સરહદી વિવાદ વચ્ચે ચીને ફરી એકવાર ગંભીર ઉશ્કેરણીજનક પગલું ભરતા પડોશી દેશોની જાસૂસી કરવા માટે અતિ આધુનિક અને શક્તિશાળી લોંગ-રેન્જ રડાર સિસ્ટમ સક્રિય કરી દીધી છે, જેની ક્ષમતા ૫,૦૦૦ કિલોમીટર દૂર સુધી નજર રાખવાની છે. આ સુપર રડાર કાર્યરત થવાથી ભારતની રાજધાની નવી દિલ્હી, તમામ એરબેઝ અને છેક હિંદ મહાસાગર સુધીના ભારતીય નૌસેનાના જહાજોની દરેક નાની-મોટી હલચલ પર બેઠા-બેઠા નજર રાખી શકાશે, જેને પગલે ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સંરક્ષણ મંત્રાલય ભારે હરકતમાં આવી ગયા છે. ચીનની આ મેલી મુરાદ સામે ભારતીય સેનાએ પણ સરહદે પોતાની નજર અને એન્ટી-રેડાર સિસ્ટમને વધુ મજબૂત બનાવીને ડ્રેગનની કોઈપણ હિમાકતનો જડબાતોડ જવાબ આપવા માટે લોખંડી એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે.
ચીનનું એલપીએઆર રડાર દૂરથી જ બેલિસ્ટિક મિસાઈલને શોધી શકે છે, તેના ઉડ્ડયન પર નજર રાખી શકે છે અને તેની માહિતી એકત્ર કરી શકે છે. આ રડારની રેન્જ ૫,૦૦૦ કિ.મી.થી વધુ છે. ચીન આ રડારની મદદથી ભારતના પૂર્વીય ભાગ, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના મોટા વિસ્તાર પર નજર રાખી શકે છે. આ રડાર ઓડિશામાં ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુથી થતા મિસાઈલ પરિક્ષણોને પણ ટ્રેક કરી શકે છે. ભારત અહીંથી અગ્નિ-૫, કે-૪ અને અન્ય આધુનિક મિસાઈલોનું પરિક્ષણ કરે છે. કોઈ દેશને આ મિસાઈલોની ઉડ્ડયન અને અન્ય ટેકનિકલ માહિતી મળી જાય તો તે પોતાની સુરક્ષા તૈયારીઓને મજબૂત કરી શકે છે.
સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે કે ચીનનું આ નવું રડાર ભારત માટે નવો રણનીતિક પડકાર છે. યુનાનમાં આ રડારનું લોકેશન એવું છે કે ચીન બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના મોટાભાગના વિસ્તાર પર નિરીક્ષણ રાખી શકશે. હિન્દ મહાસાગર ભારત માટે ખૂબ જ મહત્વનું છે. હિન્દ મહાસાગરમાં ભારતીય નેવીનું પ્રભુત્વ છે. દુનિયાના અનેક મોટા સમુદ્રી વેપાર માર્ગ અહીંથી પસાર થાય છે ત્યારે હિન્દ મહાસાગરમાં ચીનનું વધતું નિરીક્ષણ ભારતને મુશ્કેલીમાં મુકી શકે છે.
ચીને લાંબા સમયથી શિનજિયાંગ અને કોરલામાં લાંબા અંતરના રડાર ગોઠવેલા છે. હવે યૂનાનમાં નવું એલપીએર રડાર ચાલુ થવાથી તેની નિરીક્ષણ ક્ષમતા વધી જશે. જોકે, સત્તાવાર રીતે ભારત અને ચીન બંને તરફથી આ અંગે કોઈ નિવેદન સામે આવ્યું નથી, પરંતુ સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે આગામી સમયમાં ભારતે પોતાની એન્ટી-સર્વેલન્સ ટેકનિક અને સંરક્ષણ તૈયારીઓને વધુ મજબૂત કરવી પડશે તેમ સુરક્ષા નિષ્ણાતોનું કહેવું છે.
(5:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
