<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ડિજિટલ દુનિયામાં ‘ભૂકંપ’: ઉત્તર કોરિયાના હેકર્સે ૨૫૦૦ કરોડની ક્રિપ્ટોકરન્સી સેરવી લીધી:૨૦૨૬ની સૌથી મોટી લૂંટ

કિમ જોંગના ‘સાઈબર સૈનિકો’નો આતંક: ઓનલાઈન પ્લેટફોર્મ ‘KelpDAO’ પર ત્રાટક્યા હેકર્સ:પળવારમાં અબજો રૂપિયા ગાયબ:પરમાણુ મિસાઈલ બનાવવા માટે લૂંટના નાણાં વપરાશે: યુએન રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: ડિજિટલ રોકાણકારોમાં ભારે ફફડાટ

નવી દિલ્હી: જ્યારે આખી દુનિયા યુદ્ધના જોખમોમાં વ્યસ્ત છે, ત્યારે ઉત્તર કોરિયાના શાતિર હેકર્સે ડિજિટલ બજારમાં અત્યાર સુધીનો સૌથી મોટો ‘હાથફેરો’ કર્યો છે. વર્ષ ૨૦૨૬ની આ સૌથી મોટી સાયબર લૂંટમાં અંદાજે ૩૦૦ મિલિયન ડોલર (ભારતીય ચલણમાં ૨૫૦૦ કરોડથી વધુ) ની ક્રિપ્ટોકરન્સીની ચોરી થઈ હોવાના અહેવાલથી સનસનાટી મચી ગઈ છે.
મળતી વિગતો મુજબ, ઉત્તર કોરિયા સાથે સંકળાયેલા કુખ્યાત ‘લાઝારસ ગ્રુપ’ના હેકર્સે શનિવાર અને રવિવારની રજાઓનો લાભ ઉઠાવી ‘KelpDAO’ નામના ક્રિપ્ટો પ્લેટફોર્મની સુરક્ષા દીવાલો તોડી નાખી હતી. કોઈને ગંધ સુધ્ધાં ન આવે તે રીતે અબજો રૂપિયાના ઇથેરિયમ ટોકન્સ ઉસેડી લીધા છે. આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓનું માનવું છે કે ઉત્તર કોરિયા પર લદાયેલા આર્થિક પ્રતિબંધોને કારણે કિમ જોંગ તેના પરમાણુ પ્રોગ્રામ અને મિસાઈલ પરીક્ષણો માટે આ રીતે ‘સાઈબર લૂંટ’ ચલાવે છે. આ ઘટનાએ ઓનલાઈન સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે.

 

(5:24 PM IST)