<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

ઈલોન મસ્કનો મોટો 'ચપ્પો': X પર ફાલતૂ પોસ્ટ કરી કમાણી કરનારાઓના દિવસો પૂરા: મોનેટાઈઝેશનના નિયમોમાં ધરખમ ફેરફાર

હવે માત્ર 'ઓરિજિનલ' કન્ટેન્ટનો જ સિક્કો ચાલશે: કોપી-પેસ્ટ કરનારા અને ક્લિકબેટ ગેંગની કમાણીમાં ૬૦% સુધીનો તોતિંગ કાપ! 'બ્રેકિંગ' ના નામે ઉઠાંતરી કરનારા એકાઉન્ટ્સ થશે ડિમોનેટાઈઝ:શું હવે એક્સ (X) પરથી ગંદકી સાફ થશે? સાચા ક્રિએટર્સ માટે 'લોટરી' તો ઉઠાંતરી કરનારાઓ માટે 'રોતરી': જાણો મસ્કનો નવો માસ્ટર પ્લાન

નવી દિલ્હી: ઈલોન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) એ કમાણીના નિયમોમાં મોટો ફેરફાર કરીને 'એન્ગેજમેન્ટ ફાર્મિંગ' કરનારાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. એક્સના પ્રોડક્ટ હેડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, હવે પ્લેટફોર્મ પર 'લો-ક્વોલિટી' અને બીજાનું કન્ટેન્ટ ચોરીને મુકનારાઓને મળતા પેમેન્ટમાં મોટો કાપ મૂકવામાં આવશે. જે લોકો માત્ર વ્યુઝ મેળવવા માટે વારંવાર 'BREAKING' લખીને કે પછી વાયરલ વીડિયો ફરીથી પોસ્ટ કરતા હતા, તેમની કમાણી હવે લગભગ બંધ થઈ જશે.

શું છે મસ્કનો નવો નિયમ?

૧. ઓરિજિનલ કન્ટેન્ટને પ્રાધાન્ય: હવે જે લોકો પોતે મહેનત કરીને નવું અને ઓરિજિનલ કન્ટેન્ટ બનાવશે, તેમને જ રેવન્યુ શેરિંગનો મોટો હિસ્સો મળશે.

 ૨. એગ્રીગેટર એકાઉન્ટ્સ પર ગાજ: જે એકાઉન્ટ્સ માત્ર બીજાના સમાચારો કે વીડિયો ભેગા કરીને પોસ્ટ કરે છે, તેમના પેમેન્ટમાં આ સાયકલથી ૬૦% અને આવતી સાયકલથી ૨૦% નો ઘટાડો કરવામાં આવશે.

૩. વેરિફાઈડ વ્યુઝનું મહત્વ: હવે માત્ર વેરિફાઈડ યુઝર્સ દ્વારા જોવામાં આવેલી પોસ્ટના વ્યુઝ જ કમાણી માટે ગણતરીમાં લેવામાં આવશે, જેથી બોટ્સ (Bots) દ્વારા થતી છેતરપિંડી અટકી શકે.

 ૪. કન્ટેન્ટની ગુણવત્તા: જો તમારી પોસ્ટ માત્ર લોકોના રિપ્લાય મેળવવા માટેની 'સ્પામ' હશે, તો તેને સિસ્ટમ દ્વારા ડિમોનેટાઈઝ કરવામાં આવશે.

આ સાથે જ, છેલ્લા ત્રણ મહિનામાં 5 મિલિયન ઓર્ગેનિક ઇમ્પ્રેશન્સ મેળવવા ફરજિયાત રહેશે. કંપનીના જણાવ્યા મુજબ, હોમ ટાઇમલાઇન પર મળતા ઓર્ગેનિક વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. વેરિફાઇડ યુઝર્સ અને પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રાઇબર્સના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવામાં આવશે. જોકે, એક પ્રસ્તાવ જેમાં લોકલ રીજનના વ્યૂઝને વધુ મહત્ત્વ આપવાની વાત હતી, તેને હાલ માટે Elon Muskએ અટકાવી દીધો છે.

 

 

(5:41 PM IST)