<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

સમગ્ર વિશ્વ પર આગામી ૫ વર્ષ સુધી કુદરતનો પ્રકોપ તોળાશે: ગરમીથી ત્રાહિમામ પોકારેલી જનતા માટે UNનો સૌથી મોટો અમંગળ રિપોર્ટ:'સુપર અલ નીનો' મચાવશે હાહાકાર

વૈશ્વિક તાપમાનમાં અધધ વધારો થવાની આંતરરાષ્ટ્રીય ચેતવણી: દુષ્કાળ, દરિયાઈ તોફાનો અને અસાધારણ ગરમીથી અબજો લોકો પ્રભાવિત થશે: ક્લાઇમેટ ચેન્જના કારણે પૃથ્વી ભઠ્ઠીની જેમ શેકાશે

નવી દિલ્હી: વધતા જતા ગ્લોબલ વોર્મિંગ (Global Warming) ની વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN) અને વૈશ્વિક હવામાન સંગઠન દ્વારા જારી કરાયેલા એક સંયુક્ત અહેવાલે સમગ્ર વિશ્વમાં ભારે ચિંતા અને ફફડાટ ફેલાવી દીધો છે. રિપોર્ટ અનુસાર, દરિયાઈ પ્રવાહોમાં થતા અસાધારણ ફેરફારને કારણે સર્જાતી 'સુપર અલ નીનો' ની સ્થિતિ આગામી પાંચ વર્ષ સુધી વિશ્વભરમાં ચરમસીમાએ રહેશે. આના કારણે ભારત સહિત એશિયા, અમેરિકા અને આફ્રિકાના દેશોમાં ગરમી પોતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખશે અને માનવજીવન અસ્તવ્યસ્ત થઈ જશે.
વૈજ્ઞાનિકોના અહેવાલ મુજબ, 2026 અને 2030ની વચ્ચે સરેરાશ વૈશ્વિક તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના) સમયગાળા કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ(2.7 ડિગ્રી ફેરનહીટ)ને વટાવી જવાની 75% શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2015ના પેરિસ આબોહવા કરારમાં વૈશ્વિક તાપમાનને આ જ મર્યાદામાં રાખવાનું નક્કી કરાયું હતું. આ ઉપરાંત, આગામી પાંચ વર્ષમાંથી કોઈ એક વર્ષ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ(વર્ષ 2024નો રૅકોર્ડ તોડીને) બને તેની 86% શક્યતા છે. 2027ના વર્ષમાં ગરમીનો અત્યાર સુધીનો નવો રૅકોર્ડ બને તેવી પ્રબળ આશંકા છે, કારણ કે પ્રશાંત મહાસાગરમાં કુદરતી રીતે તાપમાન વધારતી 'અલ નીનો'(El Nino)ની પ્રક્રિયા 2028 સુધી લંબાઈ શકે છે.
કોમ્પ્યુટર સિમ્યુલેશન અને 13 અલગ-અલગ ક્લાઇમેટ મોડલ્સના આધારે તૈયાર કરાયેલા આ અહેવાલમાં બે સૌથી ચિંતાજનક બાબતો સામે આવી છે.
1. આર્કટિકમાં બરફ પીગળવાની સ્પીડ વધી: આર્કટિક વિસ્તાર બાકીની દુનિયા કરતાં 3.5 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સૂર્યના કિરણોને પરાવર્તિત કરતો બરફ પીગળી રહ્યો હોવાથી ત્યાં તાપમાન સતત વધી રહ્યું છે. આગામી પાંચ વર્ષમાં ત્યાં શિયાળાનું તાપમાન સામાન્ય કરતાં 5.1 ડિગ્રી ફેરનહીટ (2.8 ડિગ્રી સેલ્સિયસ) વધુ ગરમ રહેવાની ધારણા છે.
2. કાર્બન સોષતું એમેઝોન પોતે જ ઝેર ઓકશે!: પૃથ્વીના ફેફસાં ગણાતા એમેઝોનના જંગલોના વિસ્તારમાં ભયાનક દુષ્કાળ અને અસામાન્ય ગરમી પડશે. ગરમીને કારણે ત્યાં જંગલોમાં લાગતી આગ(Wildfires)નું જોખમ વધી જશે. પરિણામે, જે એમેઝોન અત્યાર સુધી પૃથ્વીના ઝેરી કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરતું હતું, તે પોતે જ કાર્બન બહાર ફેંકીને સમસ્યાને વધુ ગંભીર બનાવી દેશે.
માનવજીવન પર ખૂબ જ ક્રૂર અસર
યુએનના ક્લાઇમેટ ચીફ સાયમન સ્ટીલે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને રોકવાના વૈશ્વિક પ્રયાસો પૂરતા સાબિત થઈ રહ્યા નથી. યુરોપ અને ભારત સહિત વિશ્વભરમાં પડી રહેલી અસહ્ય ગરમી એ માનવજાત દ્વારા સતત સળગાવવામાં આવી રહેલા કોલસા અને તેલનું જ ઘાતક પરિણામ છે, જેની આર્થિક અને માનવજીવન પર ખૂબ જ ક્રૂર અસર પડી રહી છે.

 

(5:22 PM IST)