<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

એમેઝોનમાં ‘AI’નો યુગ અને છટણીનો ખેલ: 30,000 કર્મચારીઓને પાણીચું આપ્યા બાદ હવે 11,000 નવા ‘ટેક-માઈન્ડ્સ’ની ભરતીની તૈયારી

કોર્પોરેટ દુનિયાનો અજીબ વળાંક: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે જૂના ગયા અને નવા આવશે:એમેઝોન ફરીથી એક્શન મોડમાં:છટણીના આઘાત બાદ હવે રોજગારીની નવી આશા: પણ શું AI માનવ શ્રમનું સ્થાન લેશે? આઈટી (IT) સેક્ટરમાં એમેઝોનના આ નિર્ણયથી ખળભળાટ

નવી દિલ્હી: ગ્લોબલ ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ફરી એકવાર ટેક માર્કેટમાં ચર્ચા જગાવી છે. અગાઉ આર્થિક મંદી અને ઓટોમેશનના નામે અંદાજે ૩૦,૦૦૦ કર્મચારીઓની છટણી કર્યા બાદ, હવે કંપનીએ ૧૧,૦૦૦ જેટલા નવા કર્મચારીઓની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. જાણકારોનું માનવું છે કે આ ભરતી મુખ્યત્વે AI અને ક્લાઉડ કોમ્પ્યુટિંગ જેવા આધુનિક ક્ષેત્રો માટે કરવામાં આવશે.
આ બદલાવનું મુખ્ય કારણ એઆઈ છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ બે તબક્કામાં કર્મચારીઓ ઘટાડયા હતા. ૨૦૨૫ના અંતમાં લગભગ 14000 અને જાન્યુઆરી 2026 માં આશરે 16000 નોકરીઓ ઘટાડી હતી. જેને ટેક સેક્ટરની સૌથી મોટી છટણી માનવામાં આવે છે.
કંપનીએ જણાવ્યું કે, તેઓ આ વર્ષે એઆઈ સેક્ટર સાથે જોડાયેલા સોફ્ટવેર એન્જિનિયર્સ, ઇન્ટર્ન્સ અને ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાતોની ભરતી કરશે.  એઆઈ નોકરીઓ ખતમ નથી કરતું, પરંતુ નોકરીઓનું સ્વરૂપ બદલી રહ્યું છે. હવે ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે જોડાયેલા કામમાં વધુ તક ઊભી થઈ રહી છે.
એક તરફ નોકરીઓમાં કપાત અને બીજી તરફ નવી ભરતી ઘણા લોકો માટે આશ્ચર્યજનક છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ એક ટ્રાન્ઝિશન છે, જ્યાં જૂની નોકરીઓ ઘટે છે અને નવી ટેક આધારિત નોકરીઓ ઊભી થાય છે. એમેઝોન ભરતી સિસ્ટમમાં પણ એઆઈનો ઉપયોગ કરી રહ્યું છે. આ સિવાય ઘણી રૂટીન કામગીરી માટે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

(5:23 PM IST)