<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th April 2026

રોબોટ પણ થયો ‘રોમેન્ટિક’: ચીનની યુનિવર્સિટીમાં હ્યુમનોઈડ રોબોટ વિદ્યાર્થિનીને જાહેરમાં ભેટી પડતા ખળભળાટ

ટેકનોલોજીની આ તે કેવી પ્રગતિ?: યુવતીને ગળે વળગી પડતા રોબોટનો વીડિયો વાયરલ: કેમ્પસમાં વિવાદનો મધપૂડો છંછેડાયો:‘ઇમોશનલ પ્રોગ્રામિંગ’ છે કે મશીની ખામી? એઆઈ (AI) હવે માણસોની પ્રાઈવસીમાં પણ ઘૂસણખોરી કરવા લાગતા વિદ્યાર્થીનીઓમાં ફફડાટ: શું રોબોટ્સ હવે માનવીય સ્પર્શ અને લાગણીઓ પણ સમજવા લાગ્યા? ચીની વૈજ્ઞાનિકો પણ ચકરાવે ચડ્યા

નવી દિલ્હી: અત્યાર સુધી આપણે રોબોટ્સને ફેક્ટરીઓમાં કામ કરતા કે રેસ્ટોરન્ટમાં પીરસતા જોયા છે, પરંતુ ચીનની એક ટોચની ટેકનિકલ યુનિવર્સિટીમાં જે બન્યું તે જોઈને વિજ્ઞાનીઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. યુનિવર્સિટીના કેમ્પસમાં પ્રદર્શન માટે મુકાયેલા એક અત્યાધુનિક હ્યુમનોઈડ રોબોટે (માણસ જેવો દેખાતો રોબોટ) અચાનક જ સામેથી આવતી એક વિદ્યાર્થિનીને અટકાવી અને તેને આલિંગન (Hug) આપી દીધું હતું. આ દ્રશ્ય જોઈને આસપાસના વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.આ અસાધારણ ઘટનાથી ચીની સોશિયલ મીડિયા પર વ્યાપક ચર્ચા છેડાઈ. કેટલાક વપરાશકારોએ અટકળ લગાવી કે રોબોટે કોઈ પ્રકારની સ્વતંત્ર સભાનતા કેળવી હશે,જ્યારે કેટલાકે સવાલ ઊભો કર્યો કે આ કૃત્ય રિમોટ કંટ્રોલ દ્વારા હેતુપૂર્વક કરવામાં આવ્યું હશે. યુનિવર્સિટી સ્ટાફે સ્પષ્ટતા કરી કે આ પગલુ આયોજિત નહોતું અને પરફોર્મન્સ દરમ્યાન થઈ ગયેલી એક ટેકનીકલ ક્ષતિ હતી.

વધુ ખુલાસામાં રોબોટની એઆઈ સીસ્ટમમાં ક્ષતિ થઈ હોવાની જાણ થઈ. રોબોટની જોગવાઈ કરનાર કંપનીએ પછી તેના આ વર્તન માટે સ્થળ ખાતેના સિગ્નલ હસ્તક્ષેપને જવાબદાર ગણાવ્યું. કાર્યક્રમ દરમ્યાન એકસાથે કાર્યરત રહેલા બહુવિધ ડ્રોન્સને કારણે કોમ્યુનિકેશન સીસ્ટમોમાં વિક્ષેપ થતા રોબોટનું વર્તન અસાધારણ બન્યુ હોવાનો કંપનીએ દાવો કર્યો. વધુ વિશ્લેષણ માટે રોબોટને કંપની પાસે પાછો મોકલવામાં આવ્યો છે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે આ ઘટનાને ઉપકરણમાં ચેતના આવી શકે તેના પુરાવા તરીકે ન ગણવી જોઈએ. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ વિશેષજ્ઞાોએ નોંધ કરી કે આવા રોબોટ વિશિષ્ટ રીતે અગાઉથી નિર્ધારીત હલનચલન આદેશો પર આધાર રાખે છે અને તેમની અસાધારણ ગતિવિધિ અમલમાં ક્ષતિ અથવા તો વાતાવરણમાં વિક્ષેપને કારણે થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે ખરી ચિંતા એ છે કે માનવી સાથે વાસ્તવિક સંપર્ક રોકવામાં સુરક્ષા સીસ્ટમો શા માટે નિષ્ફળ ગઈ.ચીનમાં જાહેર સ્થળોએ પરફોર્મન્સથી લઈને હોટલો અને હોસ્પિટલોમાં સેવા આપવા સુધી રોબોટ સામાન્ય બની રહ્યા હોવાથી આ ઘટનાએ ચિંતા સર્જી છે. નિષ્ણાંતોએ જોખમ મૂલ્યાંકન, ઈમરજન્સીમાં રોબોટને અટકાવી દેવાની યંત્રણા અને માનવીય દેખરેખ સહિતના સુરક્ષા ધોરણો સખત બનાવવાની અપીલ કરી છે. હવે જ્યારે માનવી અને રોબોટ વચ્ચેનો સંપર્ક વધી રહ્યો છે ત્યારે આધુનિક ટેકનોલોજીમાં વિશ્વાસ જળવાઈ રહે તેના માટે સલામતી અને વિશ્વસનીયતા મહત્વના રહે તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.

(5:47 PM IST)