તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
વૈશ્વિક યુદ્ધની આ આશંકા: ટ્રમ્પના આકરા વલણ બાદ ઈરાનની મિલિટરી સાઇટ્સ પર રહસ્યમય વિસ્ફોટો: તેહરાનમાં ઇમરજન્સી જેવો માહોલ
તેહરાનની પશ્ચિમે આવેલા લશ્કરી થાણા અને પાવર ગ્રીડ પાસે ધડાકા: ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવેટ થઈ: તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઉછાળો આવવાની ભીતિ

નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો વર્ષો જૂનો સંઘર્ષ હવે સીધા સૈન્ય ટકરાવ તરફ આગળ વધી રહ્યો હોય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો અમેરિકા અથવા તેના સહયોગી દેશો પર કોઈ આંચ આવશે તો અમેરિકા ૧૦૦૦ મિસાઇલો છોડવા પણ સક્ષમ છે. આ આક્રમક નિવેદન આપ્યાના ટૂંક જ સમયમાં ઈરાનની રાજધાની તેહરાન તેમજ તેની નજીક આવેલા લશ્કરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં શ્રેણીબદ્ધ મોટા બ્લાસ્ટ થયા હોવાના અહેવાલોથી આખું વિશ્વ ચોંકી ઉઠ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેહરાન પ્રાંતના પૂર્વીય ભાગમાં એક પછી એક અનેક ધડાકાના અવાજો સંભળાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. જોકે, એજન્સીએ પોતાના અહેવાલમાં આ વિસ્ફોટ કોઈ સૈન્ય ગતિવિધિ અથવા હુમલાના કારણે થયા છે કે કેમ, તે અંગે સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ, ઈરાની અધિકારીઓએ પરિસ્થિતિ વણસે તે પહેલાં નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આ પૂર્વ-આયોજિત અને નિયંત્રિત વિસ્ફોટો હતા. ઈરાને હજુ સુધી આ અંગે કોઈ વિગતવાર માહિતી જાહેર કરી નથી અને કોઈ જાનમાલના નુકસાનની પણ પુષ્ટિ કરી નથી.
પશ્ચિમ એશિયામાં આ ધડાકા એવા સમયે થયા છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. હાલમાં જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે જો વર્તમાન અમેરિકન પ્રમુખની હત્યા કરવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવશે, તો અમેરિકાની 1000 મિસાઈલો ઈરાન પર તબાહી મચાવવા માટે તૈયાર રાખવામાં આવી છે. આ અંગેના જરૂરી આદેશો સેનાને આપી દેવાયા છે અને જરૂર પડ્યે અમેરિકન સેના આખું વર્ષ સળંગ કાર્યવાહી કરીને ઈરાનના તમામ મહત્ત્વના સૈન્ય મથકોને નેસ્તનાબૂદ કરી શકે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
