<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

વૈશ્વિક ઓટોમોબાઈલ જાયન્ટ ફોર્ડ કંપનીનો મોટો યુ-ટર્ન: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પ્રયોગો ફ્લોપ જતાં ૩૫૦ નિવૃત્ત અને સીનિયર એન્જિનિયર્સને તાત્કાલિક નોકરી પર પાછા ફરવા ફરમાન

માનવ મગજ સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ હારી ગયું: કાર ડિઝાઇનિંગ અને મિકેનિકલ પરીક્ષણોમાં એઆઇ સિસ્ટમ્સ ફેઇલ થતાં કોર્પોરેટ જગતમાં ભારે ખળભળાટ: અબજોના પ્રોજેક્ટ્સ બચાવવા વેટરન ઇજનેરો મેદાનમાં

નવી દિલ્હી: વૈશ્વિક સ્તરે ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના આંધળા અનુકરણ વચ્ચે અમેરિકાની દિગ્ગજ ઓટોમોબાઈલ કંપની ફોર્ડ મોટર્સ તરફથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફોર્ડના ગ્લોબલ ઓપરેશન્સ અને કોર્પોરેટ એન્ફોર્સમેન્ટ ડેટા મુજબ, કંપની દ્વારા છેલ્લા કેટલાક સમયથી વ્હીકલ ડિઝાઇન અને એન્જિન પર્ફોર્મન્સના સિમ્યુલેશન માટે જે અદ્યતન એઆઇ પ્રોગ્રામ્સ કાર્યરત કરાયા હતા, તેમાં ગંભીર (Algorithmic Performance Deficit) જોવા મળ્યું છે. આ સિસ્ટમ્સ દ્વારા તૈયાર કરાયેલા મોડલ્સ વાસ્તવિક રોડ સેફ્ટી અને મેન્યુફેક્ચરિંગ ધોરણો પર ખરા ઉતરી શક્યા નથી. આ અણધારી તકનીકી આફતના કારણે કરોડો ડોલરનું નુકસાન અટકાવવા માટે ફોર્ડ મેનેજમેન્ટે (Institutional Knowledge Reclamation) નો માર્ગ અપનાવ્યો છે. જે અંતર્ગત, જેમની પાસે ઓટોમોટિવ ક્ષેત્રનો દાયકાઓનો અનુભવ છે અને જેઓ કંપનીની મિકેનિકલ સિસ્ટમ્સના રગેરગથી વાકેફ છે, તેવા ૩૫૦ વરિષ્ઠ અનુભવી એન્જિનિયર્સને વિશેષ પેકેજ અને આગ્રહ સાથે કંપનીના મુખ્ય આર એન્ડ ડી (R&D) સેન્ટરમાં પાછા નિયુક્ત કરવામાં આવ્યા છે. ટેક નિષ્ણાતો આ ઘટનાને એઆઇના અતિશય હાઇપ (અતિશયોક્તિ) સામે માનવ મેધા અને વ્યવહારિક અનુભવના વિજય તરીકે જોઈ રહ્યા છે.

ફોર્ડના વેહિકલ હાર્ડવેર એન્જિનિયરિંગ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ ચાર્લ્સ પુને જણાવ્યું હતું કે એઆઇ પોતાની મેળે શું હાંસલ કરી શકે તેનો કંપનીએ વધારે પડતો અંદાજ માંડી દીધો હતો. ભૂલથી અમે એમ માની લીધું હતું કે એઆઇ વાપરવાથી અને અમારી ડિઝાઇન જરૂરિયાતો જણાવવાથી ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો પેદાં કરી શકાશે. પરંતુ એઆઇ ઉપયોગી સાધન છે પણ તમે તેને તાલીમ આપવા જેટલી સારી માહિતી આપો તેટલું જ તે સારું કામ કરી શકે. પુને જણાવ્યું હતું કે અનુભવી ઇજનેરો કંપની છોડીને જતાં રહ્યા એ પહેલાં ફોર્ડે તેમના જ્ઞાાનને જાળવવા માટે પૂરતાં પગલાં ભર્યા નહોતાં. જેના પરિણામે એઆઇ સિસ્ટમ્સ ડેવલપમેન્ટ પ્રોસેસ દરમ્યાન સમસ્યાઓનેઆગોતરી પારખવા માટે વાસ્તવિક દુનિયામાં જરૂરી નૈપૂણ્યથી વંચિત રહી હતી. આ સમસ્યા ઉકેલવા માટે ફોર્ડ ૩૫૦થી વધારે અનુભવી ઇજનેરોને પાછાં લાવી હતી. ગ્રે બિયર્ડ તરીકે ઓળખાતાં આ ઇજનેરો યુવાન કર્મચારીઓને માર્ગદર્શન આપે છે અને એઆઇ ટૂલ્સને ફરી તાલીમ આપવામાં મદદ કરે છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર કુમાર ગલહોત્રાએ જણાવ્યું હતું કે ફોર્ડની સ્થિતિ સુધારવાની વ્યૂહરચનાના કેન્દ્રમાં અનુભવી ઇજનેરો હતા. તેઓ ક્વોલિટી રિવ્યુઝ કરવામાં મોખરે રહી કંપનીને સમસ્યા થાય ત્યારે તે ઉકેલવાને બદલે તેને સર્જાતી જ નિવારવામાં નિષ્ણાત પુરવાર થયા છે. અમે હવે સમસ્યા થાય ત્યારે તેને જોઇ રહેવાને બદલે તેને દૂર કરવાનું શરૂ કરવાની માનસિકતા કેળવી લીધી છે.

(6:12 PM IST)