<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

વૈશ્વિક ક્રૂડ સપ્લાય લાઇન પર મોટો ખતરો: વ્યૂહાત્મક હોર્મુઝની સામુદ્રધુની ક્રોસ કરતાં બે વિશાળ જહાજોમાં પ્રચંડ બ્લાસ્ટ: દરિયાઈ માર્ગે ખળભળાટ

બંને કોમર્શિયલ જહાજો દરિયામાં રાખેલી માઈન્સ સાથે ટકરાયા હોવાનો ઈરાન સરકારનો સત્તાવાર દાવો: બ્લાસ્ટ બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ભડકે બળવાની આશંકા

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા પ્રચંડ સૈન્ય તણાવ વચ્ચે વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ ક્રોસ કરી રહેલા બે મોટા કોમર્શિયલ કાર્ગો જહાજોમાં મોડી રાત્રે રહસ્યમય સંજોગોમાં શક્તિશાળી બ્લાસ્ટ થયા હોવાના અહેવાલથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે; આ ઘટના અંગે સત્તાવાર નિવેદન જારી કરતાં ઈરાન સૈન્ય અને સરકારી સુત્રોએ દાવો કર્યો છે કે આ બંને જહાજો દરિયાઈ સપાટીની નીચે ગોઠવવામાં આવેલી દરિયાઈ માઈન્સ (Naval Mines) સાથે ટકરાયા હતા જેના કારણે આ પ્રચંડ વિસ્ફોટ સર્જાયા છે અને જહાજોને ભારે નુકસાન પહોંચ્યું છે, બીજી તરફ આંતરરાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ આ ઘટના પાછળ કોઈ મોટા સૈન્ય હુમલા અથવા તો તોડફોડની આશંકા પણ સેવી રહી છે, જેને પગલે સમગ્ર હોર્મુઝ દરિયાઈ પટ્ટીમાં હાઈ-એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ સંકટના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના પરિવહનને માઠી અસર પહોંચવાની દહેશત વચ્ચે વૈશ્વિક બજારોમાં પણ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ હાલમાં દુનિયાનો સૌથી સંવેદનશીલ અને જોખમી દરિયાઈ માર્ગ બની ચૂક્યો છે. ખાડી દેશોમાંથી નીકળતા મોટાભાગના ક્રૂડ ઓઇલ અને ગેસના ટેન્કરો આ જ રૂટ પરથી પસાર થાય છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ અહીંથી પસાર થતા જહાજો પર દર પળે મિસાઇલ, ડ્રોન કે દરિયાઈ માઇનનો ખતરો તોળાતો રહે છે.
નોંધનીય છે કે ઈરાને હોર્મુઝમાં ટેન્કરો પર બ્લાસ્ટનો દાવો કર્યો હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા અઠવાડિયે પણ IRGCએ બે ટેન્કરો માઇન સાથે ટકરાયા હોવાની વાત કહી હતી, જોકે તે સમયે અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે (CENTCOM) આ દાવાને ખોટો ગણાવ્યો હતો. આ સિવાય ઈરાને અગાઉ મિસાઇલ અને ડ્રોન અભિયાન ચલાવીને ચાર જહાજોને રોક્યા હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ, અમેરિકા દ્વારા પણ ઈરાન પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે. અમેરિકન સેનાએ ઈરાન પર સતત 9મી રાત્રે પણ સૈન્ય કાર્યવાહી કરી છે, જેના કારણે ઈરાનના દરિયાકાંઠાના બંદરો પર સતત ધમાકા સંભળાઈ રહ્યા છે. આ ભીષણ તણાવ વચ્ચે ઈરાનના મીડિયાએ એક મોટો દાવો કરતા જણાવ્યું છે કે, પશ્ચિમ ઈરાનના કેરમાનશાહ પ્રાંતમાં અમેરિકાનું એક અત્યંત આધુનિક અને શક્તિશાળી MQ-9 ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે.

(5:51 PM IST)