તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Friday, 29th May 2026
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ કે મહાશાંતિ?: ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનું માંડી વાળશે?, ટ્રમ્પની ૩ કડક શરતો પર ટકેલું છે વિશ્વનું ભવિષ્ય
ટ્રમ્પની એટોમિક ડીલ આખી દુનિયા પર શું અસર કરશે?: ઈરાન પર કડક આર્થિક પ્રતિબંધો હટાવવા સામે પરમાણુ પ્રોગ્રામ કાયમ માટે બંધ કરવાની ગર્ભિત ચેતવણી: વૈશ્વિક રાજકારણ ગરમાયું

નવી દિલ્હી: વૈશ્વિક રાજકારણ અને ખાસ કરીને મિડલ ઈસ્ટના સળગતા પ્રદેશમાં આગામી દિવસોમાં બહુ મોટા ઉલટફેર થવાના સંકેતો મળી રહ્યા છે. ઈરાન દ્વારા પરમાણુ હથિયારો (Nuclear Weapons) વિકસાવવાની ચાલી રહેલી કડક ગતિવિધિઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક નવો શાંતિ કરાર (Peace Treaty) રજૂ કરવામાં આવ્યો હોવાની સનસનાટીપૂર્ણ વિગતો આંતરરાષ્ટ્રીય મીડિયામાં વહેતી થઈ છે. આ પ્રસ્તાવિત કરારની ૩ મુખ્ય શરતો હવે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થપાશે કે ભયાનક પરમાણુ યુદ્ધ ફાટી નીકળશે, તેનો કડક ફેંસલો કરશે.
નાણા સચિવ સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કેબિનેટ બેઠકમાં પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. ઈરાને જો અમેરિકા સાથે સમજૂતી કરવી હશે તો આ ત્રણ શરતોનું પાલન કરવું જ પડશે.
1. યુરેનિયમ સોંપવું પડશે: ઈરાને પોતાનું અત્યંત સંવર્ધિત યુરેનિયમ સંપૂર્ણપણે સોંપી દેવું પડશે.
2. પરમાણુ હથિયાર પર રોક: ઈરાન ક્યારેય પણ પરમાણુ હથિયાર મેળવવાનો પ્રયાસ નહીં કરી શકે.
3. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં મુક્ત અવરજવર: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી દરિયાઈ વાહનોની અવરજવર પહેલાની જેમ સંપૂર્ણપણે મુક્ત અને ખુલ્લી રાખવી પડશે.
તાજેતરમાં એવા અહેવાલો વહેતા થયા હતા કે બંને દેશો વચ્ચે 60 દિવસના યુદ્ધવિરામ અને પરમાણુ વાટાઘાટો આગળ ધપાવવા માટે એક કામચલાઉ સમજૂતી થઈ ગઈ છે. જોકે, બેસેન્ટે આ અહેવાલોને સત્તાવાર સમર્થન આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, બંને પક્ષોની ટીમો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ બધી બાબતોનો આધાર રાષ્ટ્રપ્રમુખ શું કરવા ઈચ્છે છે તેના પર છે. રાષ્ટ્રપ્રમુખના નિર્ણય પહેલા કંઈ પણ કહેવું ભૂલભરેલું ગણાશે. તેઓ અમેરિકાના લોકો માટે એક શ્રેષ્ઠ ડીલ કરશે, કોઈ નબળી ડીલ સ્વીકારશે નહીં.
અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી ઈરાન આ શરતો પર સંમત નહીં થાય અને નક્કર પગલાં નહીં ભરે, ત્યાં સુધી તેને પ્રતિબંધોમાંથી કોઈ રાહત આપવામાં આવશે નહીં. બેસેન્ટનો દાવો છે કે ટ્રમ્પ પ્રશાસનની આર્થિક અને સૈન્ય દબાણની નીતિને કારણે જ ઈરાન ફરીથી વાટાઘાટોના ટેબલ પર આવ્યું છે. આ પહેલા આવું ક્યારેય બન્યું નથી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ હંમેશા શાંતિ સમજૂતીને પ્રાધાન્ય આપે છે, પરંતુ જો રાજદ્વારી પ્રયાસો નિષ્ફળ જશે તો સૈન્ય વિકલ્પ ફરીથી ટેબલ પર આવી જશે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
