તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
મરઘીઓ ખાઈને બાજ પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું
હવે સારવારમાં શક્તિવર્ધક દવાઓની સાથે ડાયટિંગ કરાવવું પડશે

વર્જિનિયાઃ તા.૬: બાજ એટલે કે ગરુડ હવામાં ખૂબ જ ઊંચાઈએ ઊડે છે. જોકે અમેરિકામાં એક બાજ પંખી એટલું મોટું થઈ ગયું કે હવે એ ઊડી જ નથી શકતું. વર્જિનિયાના એક વિસ્તારમાં માદા બાજ પંખી થોડાક સમયથી રેસિડેન્શ્યલ વિસ્તારમાં રહેતું હતું. એ બાજ રહેવાસીઓએ પાળેલી મરઘીઓ ઝાપટી જતું હતું અને નજીકના વૃક્ષમાં રહેતું હતું. સામાન્ય રીતે માદા બાજ પંખીનું વજન ૪૫૦ ગ્રામ હોય છે, પણ આ પંખીનું વજન ૯૦૦ ગ્રામ થઈ ગયું હતું. આસપાસમાંથી મરઘીઓ ખૂબ ખાવા મળી રહેતી હોવાથી બાજે સારીએવી પાર્ટી મનાવી હતી. એને કારણે થોડા જ દિવસોમાં એ મેદસ્વી થઈ ગયું. થોડા દિવસ પહેલાં આ બાજ કોઈકના આંગણામાં ફસડાયેલું પડ્યું મળ્યું હતું. સ્થાનિકોએ રેસ્ક્યુ કરનારી સંસ્થાને ફોન કરીને બોલાવ્યા હતા. રેસ્ક્યુ સેન્ટરમાં ડોક્ટરોએ એની તપાસ કરી તો પંખીને કોઈ જ રોગ નહોતો. એનાં હાડકાં, આંખો, પાંખો કશાયને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ શરીરમાં ચરબીનો ભરાવો થઈ ગયો હતો. ડોક્ટરોનું માનવું છે કે બાજ એ શિકારી વૃત્તિનું અને ખૂબ જ ઍક્ટિવ હોય છે, પણ આ બાજને બહુ સરળતાથી ખુલ્લામાં રખડતી મરઘીઓ મળી જતી હોવાથી એ આરામપ્રેમી થઈ ગયું હોય એવું લાગે છે. સામાન્ય કરતાં ડબલ વજન વધી જતાં હવે એ ઊડી શકતું નથી. એની સારવારમાં શક્તિવર્ધક દવાઓની સાથે ડાયટિગ કરાવવું પડશે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
