<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

ભારે કરી! ભાડે મળે છે આખો પરિવાર અને સગા-સંબંધીઓઃ તમારુ ટાણું સાચવી લેશે

આ કોઈ ફિલ્‍મી કહાની નથી, પણ જાપાનમાં એક વાસ્‍તવિક બિઝનેસ મોડલ : ગ્રાહકો એજન્‍સીની વેબસાઈટ અથવા કેટલોગ દ્વારા પોતાની જરૂરિયાત અનુસાર, વ્‍યક્‍તિ સિલેક્‍ટ કરી શકે છે

ટોકયો તા.૨૯: જરા કલ્‍પના કરો કે તમારા કોઈ ખાસ અવસર પર તમારી સાથે પરિવારના કોઈ સભ્‍ય જોઈએ પણ અસલ જિંદગીમાં તમારી સાથે કોઈ નથી. તો શું કરશો? આવા સમયે જો કોઈ કહે તો અમુક કલાક અથવા અમુક દિવસ માટે માતા-પિતા, ભાઈ-બહેન, દોસ્‍ત અથવા જીવનસાથીની ભૂમિકા નિભાવનાર વ્‍યક્‍તિ ભાડે લઈ શકાય છે, તો કદાચ આ વાત તમને થોડી અજીબ લાગશે. પણ જાપાનમાં આ કોઈ ફિલ્‍મી કહાની નથી, પણ એક વાસ્‍તવિક બિઝનેસ મોડલ છે.

જાપાનમાં આવી સેવાઓને રેન્‍ટ એ ફેમિલી અથવા પ્રોફેશનલ સ્‍ટેન્‍ડ-ઈન સર્વિસના નામથી ઓળખવામાં આવે છે. આ સેવાઓ અંતર્ગત જરૂરિયાત અનુસાર, કલાકારોને અલગ અલગ સંબંધની ભૂમિકા નિભાવવા માટે બોલાવવામાં આવે છે. માનવામાં આવે છે કે આ પ્રકારની સેવાઓની શરૂઆત ૧૯૯૦ના દાયકામાં થઈ હતી અને સમય સાથે તેનો દાયરો પણ વધવા લાગ્‍યો.

અહીં ગ્રાહકો એજન્‍સીની વેબસાઈટ અથવા કેટલોગ દ્વારા પોતાની જરૂરિયાત અનુસાર, વ્‍યક્‍તિ સિલેક્‍ટ કરી શકે છે. ઉંમર, વ્‍યક્‍તિ અને નિભાવવામાં આવતી ભૂમિકા જેવી વસ્‍તુઓ પર ધ્‍યાન આપવામાં આવે છે. મુલાકાત પહેલા એજન્‍સી એ પાત્ર માટે આખી કહાની પણ તૈયાર કરે છે. તે વ્‍યક્‍તિ ગ્રાહકને ક્‍યારથી જાણે છે, તેમનો સંબંધ શું છે અને બંનેની જૂની ઓળખ કેવી છે. તેમનો ઉદ્દેશ્‍ય એ હોય છે કે મુલાકાત દરમિયાન કહાની અને વ્‍યવહારમાં કોઈ તકલીફ ન આવે.

કેટલો થાય છે ખર્ચઃ આ સેવાની કિમત ભૂમિકા અને સમયના હિસાબથી બદલાઈ શકે છે. પ્રાપ્ત રિપોર્ટ અનુસાર, એક વ્‍યક્‍તિને ભાડે લેવા પર લગભગ ખર્ચ ૫૦૦૦થી ૨૦,૦૦૦૦ જાપાની યેન પ્રતિ કલાક હોઈ શકે છે. જે ભારતીય મુદ્રામાં લગભગ ૩૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયાની આસપાસ થાય છે.

લોકો પરિવારને ભાડે કેમ લઈ રહ્યા છેઃ તેની પાછળનું સૌથી મોટું કારણ એકલાપણું અને સામાજિક પ્રેશર. જાપાનમાં કેટલાય લોકો એકલા રહે છે અને તેમને ક્‍યારેક ક્‍યારેક વાત કરવા, સાથે જમવા અથવા કોઈ કાર્યક્રમમાં સાથે જવા માટે કોઈ વ્‍યક્‍તિની જરૂર પડે છે. લગ્ન અથવા કોઈ પારિવારિક કાર્યક્રમમાં વધારે મહેમાન દેખાડવા માટે લોકો ભાડે મિત્રો અથવા સંબંધીઓ બોલાવે છે. વળી છૂટાછેડા અથવા સિગલ પેરેન્‍ટ જેવી સ્‍થિતિમાં પણ સ્‍કૂલ કાર્યક્રમ અથવા અન્‍ય અવસર કોઈને મા અથવા પિતાની ભૂમિકા નિભાવવા માટે બોલાવવામાં આવે છે.

અમુક કહાનીઓ તો આનાથી પણ ભાવુક કરનારી છે. ક્‍યારેક ક્‍યારેક આ સેવાઓનો ઉપયોગ એવા સંબંધો અથવા અધૂરી ભાવનાઓને સંભાળવા માટે થાય છે, જેને વાસ્‍તવિક જિદગીમાં વ્‍યક્‍ત કરવું મુશ્‍કેલ છે. આ સમાચાર પણ સોશિયલ મીડિયા પર ઉપલબ્‍ધ જાણકારી આધારિત બનાવ્‍યા છે. ન્‍યૂઝ ૧૮ ગુજરાતી તેની સ્‍વતંત્ર પુષ્ટિ નથી કરતું.

 

(10:22 AM IST)