News of Wednesday, 27th May 2026
વૈશ્વિક મંચ પર ટ્રમ્પની શાંતિની વાતો વચ્ચે અમેરિકાનો ભયાનક સૈન્ય હુમલો: હોર્મુઝ સ્ટ્રેટ નજીક ઈરાની સૈન્ય પોર્ટ પર બોમ્બમારો
એક તરફ શાંતિ કરારની વાત અને બીજી તરફ સીધો મિલિટ્રી એટેક:અમેરિકાની બેવડી નીતિ ખુલ્લી પડી: મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધના ભણકારા: ક્રૂડ ઓઈલના બજારમાં મોટો ભડકો થવાની આશંકા

નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિ અને યુદ્ધના મેદાનમાંથી પાછલા કેટલાક સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એકબાજુ ઈરાન સાથેના તણાવને ઘટાડવા અને ઐતિહાસિક શાંતિ કરાર કરવા માટે સતત નિવેદનો આપવામાં આવી રહ્યા છે, ત્યાં જ બીજીબાજુ અમેરિકી સૈન્યએ આંતરરાષ્ટ્રીય જળસીમાના અતિ સંવેદનશીલ એવા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' નજીક આવેલા ઈરાન સમર્થિત સૈન્ય પોર્ટ (નૌકાસેના મથક) પર મિસાઈલો વડે પ્રચંડ હુમલો કરી દીધો છે. આ હુમલાથી આખા વિશ્વમાં હડકંપ મચી ગયો છે.
અમેરિકન લશ્કરે કરેલા હુમલામાં ઇરાનની મિસાઇલ લોન્ચિંગ સાઇટ્સ અને સમુદ્રમાં માઇન્સ બીછાવતી બોટને નિશાન બનાવી છે. આ સિવાય ઇરાનની મિસાઇલ બોટ્સને પણ નિશાન બનાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટના પછી ઇરાને પોતાની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એલર્ટ કરી દીધી છે.
અમેરિકન લશ્કરે આ હુમલો તેવા સમયે કર્યો છે જ્યારે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સોશિયલ મીડિયા પર વારંવાર પોસ્ટ કરીને જણાવી રહ્યા છે કે ઇરાન સાથે વાતચીત સારી રીતે ચાલી રહી છે. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રવકતા ટીમ હોકિન્સે જણાવ્યું હતું કે અમેરિકન લશ્કરે દક્ષિણ ઇરાનમાં આ હુમલો એટલા માટે કર્યો કેમકે ઇરાની લશ્કરથી પોતાના સૈનિકોને સંભવિત ભયથી બચાવી શકાય. તેની સાથે તેણે એમ પણ જણાવ્યું હતું કે અમેરિકન લશ્કર હાલમાં ચાલતા સંઘર્ષવિરામને ધ્યાનમાં રાખીને મર્યાદાની અંદર રહીને કાર્યવાહી કરી રહ્યું છે.
અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ અજાણ્યા સ્થળેથી કામ કરી રહ્યા છે. તેમનો બહારના વિશ્વ સાથેનો સંપર્ક મર્યાદિત છે. તેમણે જણાવ્યું હતું કે ખામેનેઈનો સંપર્ક ફક્ત સંદેશવાહકોના જટિલ માધ્યમથી કરી શકાય છે. તેથી અમેરિકા જ્યારે પોતાની પ્રસ્તાવિત શરતોની વિગત મોકલે છે તો ઇરાની અધિકારીઓને તે વિગતો તેમના સર્વોચ્ચ નેતા સુધી પહોંચાડવામાં સમય લાગે છે. તેના કારણે પ્રતિક્રિયામાં વાર લાગે છે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
