તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
મિડલ ઈસ્ટમાં ભયાનક વિસ્ફોટ: ૫ કલાકમાં ૬ શહેરો લોહીલુહાણ:અમેરિકી સેનાનો યુદ્ધના મેદાનમાં એન્ટ્રીનો આદેશ
મુખ્ય સૈન્ય મથકો અને એરપોર્ટ પર ભારે મિસાઈલમારો: ઇઝરાયેલ, ઈરાન અને સાથી દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ: પેન્ટાગોન દ્વારા સેન્ટ્રલ કમાન્ડને ૧૦૦% એલર્ટ રહેવા આદેશ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સળગી રહેલી યુદ્ધની ચિંગારી હવે વિસ્ફોટક જ્વાળામુખીમાં ફેરવાઈ ગઈ છે. રણભૂમિ પરથી મળતા તાજા અહેવાલો મુજબ, માત્ર પાંચ કલાકની અંદર ૬ મોટા શહેરો પર અંધાધૂંધ હવાઈ હુમલા કરવામાં આવ્યા છે, જેમાં અનેક લશ્કરી થાણા અને સંવેદનશીલ સરકારી ઇમારતોને નિશાન બનાવવામાં આવી છે. આ હુમલા કોણે કર્યા અને તેમાં કેટલું નુકસાન થયું તેની સત્તાવાર વિગતો હજુ બહાર આવી રહી છે, પરંતુ અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન) એ આ હુમલાની ગંભીરતાને જોતાં આખા મિડલ ઈસ્ટ રિજીયનમાં હાજર પોતાના પચાસ હજાર સૈનિકોને સ્ટેન્ડબાય અને કૉમ્બેટ એક્શન (યુદ્ધ ફાઇટિંગ) મોડ પર લાવી દીધા છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે, 13 જુલાઈની રાત્રે ઈરાન વિરુદ્ધ પાંચ કલાક સુધી એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમેરિકી સેનાએ ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિતના અનેક સૈન્ય ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા. અમેરિકાનો દાવો છે કે, આ હુમલા ઈરાનની ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓને તબાહ કરવાના હેતુથી કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે, વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો તહેનાત છે.
બીજી તરફ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીન સ્થિત અલ-જુફૈર બેઝ પર હથિયાર ભંડાર, સેટેલાઈટ કોમ્યુનિકેશન સેન્ટર અને અમેરિકી સૈનિકો સાથે જોડાયેલી એક બિલ્ડિંગને નિશાન બનાવી છે. આ ઉપરાંત RGCએ અમેરિકાના અત્યાધુનિક MQ-1 ડ્રોનને પણ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.
આ વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને અંદાજે 85 ડૉલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત લગભગ 80 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. બજારમાં તેલના ભાવમાં એક મહિનાની સર્વોચ્ચ સપાટી સુધીનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો અને મોંઘવારી અંગે ચિંતાઓ વધી ગઈ છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
