<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

શ્રીલંકાની જેલમાં ભયાનક ખૂની ખેલ: ગેંગવોરની લપેટમાં ૪ ગાર્ડ સહિત ૨૩ના મોત:આખી જેલ લશ્કરના હવાલે

જૂની અદાવતમાં રીઢા ગુનેગારો સામસામે આવી જતાં લોહીની નદીઓ વહી: ૧૦૦થી વધુ કેદીઓ ગંભીર રીતે ઘાયલ

નવી દિલ્હી: પાડોશી દેશ શ્રીલંકાની હાઈ-સિક્યોરિટી જેલમાંથી આજે એવા સમાચાર આવ્યા છે જેને સાંભળીને ભલભલાના કાળજા કમ્પી જાય! જેલના સળિયા પાછળ બંધ રીઢા ગુનેગારો અને ગેંગસ્ટરો વચ્ચે કોઈ જૂની અદાવતમાં એવો ભયાનક મામલો બિચક્યો કે આખી જેલ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગઈ હતી. સામસામે તીક્ષ્ણ હથિયારો ઉડ્યા અને લોહીની નદીઓ વહી ગઈ. આ લોહિયાળ જંગને રોકવા વચ્ચે પડેલા ૪ કમનસીબ સિક્યોરિટી ગાર્ડ્સ પણ કાળનો કોળિયો બની ગયા છે, જ્યારે ૧૯ કેદીઓ ટપોટપ ઢળી પડ્યા હતા.

શ્રીલંકામાં છેલ્લા 6 વર્ષ કરતાં પણ વધુ સમય બાદ કોઈ જેલમાં ફાટી નીકળેલી આ સૌથી મોટી હિંસા છે. એક અહેવાલ અનુસાર રાજધાની કોલંબોમાં મુખ્ય જેલમાં ડ્રગ્સના ધંધા સંબંધિત બે ગેંગના કેદીઓ વચ્ચે આખી રાત અથડામણ ચાલી હતી. હિંસા બાદ ઘાયલોને કોલંબોના ઉત્તરમાં આવેલી નેગોમ્બો હોસ્પિટલ ખસેડાયા હતા.

હોસ્પિટલના ડિરેક્ટર પુષ્પા ગામથાલે જણાવ્યું કે સરકારી હોસ્પિટલમાં 23 મૃતદેહો લવાયા હતા અને 100થી વધુ કેદીઓ અને ગાર્ડને સારવાર માટે દાખલ કરાયા હતા. ઘણા લોકોને ગોળી વાગી છે જ્યારે અમુક લોકોને માર કાટ અને ગંભીર ઈજાઓ પહોંચી છે.

(5:08 PM IST)