<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

પાકિસ્તાનના ગ્વાદરમાં બલૂચ બળવાખોરોનો ભયાનક આત્મઘાતી હુમલો: કોસ્ટ ગાર્ડ કેમ્પ પર બોમ્બ બ્લાસ્ટ: ૩૦ થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો

BLA નો કાળો કેર: સેન્ય છાવણીને નિશાન બનાવી આત્મઘાતી ફિદાયીન તૂટી પડ્યા: ચારેબાજુ લાશોના ઢગલા અને ચીસાચીસથી પાકિસ્તાન આખું ધણધણી ઉઠ્યું

નવી દિલ્હી: આર્થિક કંગાળિયત અને આંતરિક વિખવાદથી ઘેરાયેલા પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો અને હચમચાવી દેતો આતંકી હુમલો સામે આવ્યો છે, જેમાં વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ગ્વાદરમાં કોસ્ટ ગાર્ડ કેમ્પ (તટરક્ષક દળની છાવણી) પર બલૂચ લિબરેશન આર્મી (BLA) ના આત્મઘાતી હુમલાખોરોએ ભયાનક ફિદાયીન હુમલો કર્યો છે. સંગઠન દ્વારા કરવામાં આવેલા સત્તાવાર અને ચોંકાવનારા દાવા મુજબ, આ ઓપરેશનમાં અત્યાર સુધીમાં પાકિસ્તાની સેનાના ૩૦ થી વધુ સૈનિકોને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે અને અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલો એટલો પ્રચંડ હતો કે બોમ્બ ધડાકાના અવાજથી આખો ગ્વાદર પંથક ધણધણી ઉઠ્યો હતો અને સૈન્ય કેમ્પનો મોટો હિસ્સો કાટમાળમાં ફેરવાઈ ગયો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની આર્મી દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ભયાનક હુમલાના કારણે પાકિસ્તાન સરકાર અને ત્યાંની મિલિટ્રી એજન્સીઓમાં ભારે દોડધામ સાથે માતમનો માહોલ વ્યાપી ગયો છે.

'ધ બલૂચિસ્તાન પોસ્ટ' ના અહેવાલ મુજબ, આ હુમલાની જવાબદારી સ્વીકારતા BLA ના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું છે કે આ ઓપરેશનને સંગઠનની સૌથી ઘાતક અને ખાસ આત્મઘાતી યુનિટ 'માજિદ બ્રિગેડ' દ્વારા અંજામ આપવામાં આવ્યો છે. આ હુમલો જીવાનીના પનવાન વિસ્તારમાં આવેલા કોસ્ટ ગાર્ડ્સના વ્યૂહાત્મક કેમ્પ પર થયો હતો. સંગઠને આને 'ફિદાયીન' હુમલો ગણાવતા કહ્યું કે તેમના લડવૈયાઓ ભારે હથિયારો સાથે પહેલા સુરક્ષા વ્યવસ્થા ભેદીને કેમ્પની અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ અંધાધૂંધ ગોળીબાર અને બ્લાસ્ટ કરીને આખા કેમ્પને નિશાન બનાવ્યો હતો.

આ હુમલો જે ગ્વાદર જિલ્લામાં થયો છે તે ભૌગોલિક અને આર્થિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. ગ્વાદરમાં ચીનના આર્થિક સહયોગ અને રોકાણથી પાકિસ્તાનનો સૌથી મોટો પોર્ટ (બંદર) પ્રોજેક્ટ અને સીપેક (CPEC) સંબંધિત કામો ચાલી રહ્યા છે. ચીની નાગરિકો અને પ્રોજેક્ટ્સની સુરક્ષા માટે પાકિસ્તાને હજારો સૈનિકો તૈનાત રાખ્યા છે, તેમ છતાં આટલો મોટો આત્મઘાતી હુમલો થવો એ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓની મોટી નિષ્ફળતા દર્શાવે છે. જોકે, પાકિસ્તાની સત્તાવાળાઓ કે સેના દ્વારા હજુ સુધી આ હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના આંકડાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

બલૂચિસ્તાન એ પાકિસ્તાનનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો પરંતુ વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનો પ્રાંત છે, જ્યાં દાયકાઓથી અલગતાવાદી આંદોલન ચાલી રહ્યું છે. BLA નું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સુરક્ષા દળો સામે ચાલી રહેલા તેમના લાંબા સશસ્ત્ર સંગ્રામનો જ એક ભાગ છે. બલૂચ સંગઠનોની માંગ છે કે બલૂચિસ્તાનને પાકિસ્તાનથી મુક્તિ અથવા વધુ સ્વાયત્તતા મળે અને પ્રાંતના ગેસ, તેલ અને ખનિજ જેવા કુદરતી સંસાધનો પર ત્યાંના સ્થાનિક બલૂચ લોકોનો અધિકાર રહે.

(5:20 PM IST)