<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓની નાપાક હરકત: સાઉદી અરેબિયાના બે જહાજો પર રોકેટ હુમલો થતાં પ્રમુખ ટ્રમ્પ લાલઘૂમ

વૈશ્વિક દરિયાઈ વેપાર માર્ગ પર સીધો પ્રહાર: અમેરિકા દ્વારા હુથીના ઠેકાણાંઓ પર વિનાશક વળતો પ્રહાર કરવાની આકરી ચેતવણી

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સળગતા તણાવ વચ્ચે લાલ સમુદ્ર (રેડ સી)ના મહત્વના દરિયાઈ માર્ગ પર યમનના હુથી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના બે તેલ ટેન્કર અને કાર્ગો જહાજો પર ગંભીર રોકેટ અને ડ્રોન હુમલો કરવામાં આવતાં વૈશ્વિક સ્તરે ભારે અરેરાટી મચી ગઈ છે; આ કાયરતાપૂર્ણ હુમલાના વિગતો સામે આવ્યા બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત લાલઘૂમ થઈ ગયા છે અને તેમણે હુથી વિદ્રોહીઓ સામે આકરામાં આકરા લશ્કરી પગલાં લેવાની ખુલ્લી ધમકી આપી છે; પ્રમુખ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં મુક્ત વેપાર અને જહાજોની સુરક્ષા પર હુમલો સાંખી લેવામાં આવશે નહીં અને આ કૃત્ય પાછળ રહેલા હુથી વિદ્રોહીઓ તથા તેમને સમર્થન આપતા તમામ પરિબળોએ એની ભારે કિંમત ચૂકવવી પડશે; આ ઘટના બાદ લાલ સમુદ્રમાં અમેરિકા અને મિત્ર દેશોની નેવીને હાઇએલર્ટ પર મૂકી દેવામાં આવી છે, જેના કારણે ઈંધણ અને નૌકા પરિવહનના ખર્ચમાં જંગી ઉછાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે.

ટ્રમ્પ મધ્યપૂર્વમાં કાયમ માટે શાંતિ સ્થાપવા માટે ઇરાન અને હુથી બંનેને ખતમ કરી નાખવા માંગતા હોય તે રીતે સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસ, એડવાન્સ્ડ બોમ્બર્સ, યુદ્ધજહાજો અને લડાકુ મેડિકલ ટીમો મધ્યપૂર્વમા મોકલી રહ્યા છે. આ ગોઠવણ ફક્ત સામાન્ય સતર્કતાની નથી, પરંતુ યુદ્ધના મોટાપાયા પર વિસ્તારની તૈયારી લાગે છે. અમેરિકાએ પાંચ હજારથી પણ વધુ સૈનિકો ખડક્યા છે.
અમેરિકા છેલ્લા કેટલાક સમયથી ઇરાન પર હવાઈ હુમલા તો કરી જ રહ્યું છે, હવ અમેરિકા પોતાની લશ્કરી ક્ષમતા વધુ મજબૂત કરવા ઇરાનની સાથે-સાથે હુથીઓને પણ ખાત્મો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાઅ જર્મનીથી વધારે કોમ્બેટ મેડિક્સ મોકલ્યા છે. મેડિકલ સ્ટાફના સપોર્ટમાં થયેલો વધારો દર્શાવે છે કે અમેરિકા મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
અમેરિકાની સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસને અમેરિકાના બેઝથી મિડલ ઇસ્ટ મોકલવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં લડાયક સ્કવોડ્રન્સ પહેલેથી જ છે. અમેરિકા અને બ્રિટનમાં ઉપલબ્ધ બોમ્બર્સ અને તેમા પણ ખાસ કરીને બ્રિટનમાં બી-૧ લેસર બોમ્બર્સ મોટા યુદ્ધ અભિયાન માટે હાઈ એલર્ટ પર છે. આ બતાવે છે કે અમેરિકા હવે આ યુદ્ધને ફક્ત હવાઈ હુમલા પૂરતું જ સીમિત રાખવા માંગતુ નથી. સ્પેશ્યલ ફોર્સીસ ગ્રાઉન્ડ ઓપરેશન્સ માટે તૈયાર છે, જે ઇરાન કે તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી કરી શકે છે. બી-૧ બોમ્બર્સની સુપરસોનિક સ્પીડ અને જબરદસ્ત પેલોડ ક્ષમતા ઇરાન જેવા મોટા લક્ષ્યાંકો માટે એકદમ યોગ્ય છે.

(6:05 PM IST)