તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
વૈશ્વિક ટેક માર્કેટમાં પ્રચંડ હલચલ: ઓપન-એઆઈના ચેટજીપીટીને સીધી ટક્કર આપવા માટે ચીને પોતાનું નેક્સ્ટ જનરેશન 'Kimi K3' એઆઈ મોડલ સત્તાવાર રીતે લોન્ચ કર્યું
અત્યંત આધુનિક ડેટા પ્રોસેસિંગ અને ચાઇનીઝ ભાષા પર અદભુત પકડ ધરાવતું નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ જાહેર થતાં સિલિકોન વેલીમાં દોડધામ: વૈશ્વિક સ્તરે એઆઈ વોર વધુ તેજ બનવાના એંધાણ

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ગ્લોબલ માર્કેટ પર અમેરિકન કંપની ઓપન-એઆઈના ચેટજીપીટીનું એકહથ્થુ શાસન તોડવાના મજબૂત ઇરાદા સાથે ચીનની અગ્રણી ટેકનોલોજી કંપની દ્વારા ક્રાંતિકારી ફેરફારો અને અલ્ટ્રા-મોડર્ન ફીચર્સથી સજ્જ નવું 'Kimi K3' એઆઈ મોડલ લોન્ચ કરવામાં આવતાં વૈશ્વિક ટેક જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે; આઈટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ નવું ચાઇનીઝ એઆઈ મોડલ અત્યંત જટિલ ડેટાનું પૃથ્થકરણ કરવા, લાંબા દસ્તાવેજોનો ગણતરીની સેકન્ડોમાં સચોટ સારાંશ આપવા તેમજ કોડિંગ અને મલ્ટી-લેંગ્વેજ ટાસ્કમાં ચેટજીપીટી કરતાં પણ વધુ ઝડપી પરિણામો આપવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં પરંતુ ચીનની સ્થાનિક સંસ્કૃતિ અને વ્યાપારી ભાષાઓને ધ્યાનમાં રાખીને તેને વિશેષ રૂપે ટ્રેન કરવામાં આવ્યું હોવાથી એશિયન માર્કેટમાં તેનો દબદબો ખૂબ ઝડપથી વધશે તેમ માનવામાં આવી રહ્યું છે, જેને પગલે અત્યાર સુધી એઆઈ સેક્ટરમાં મોનોપોલી ભોગવતી અમેરિકન ટેક કંપનીઓ સામે મોટો વ્યાપારી પડકાર ઊભો થયો છે અને ભવિષ્યમાં આ ડિજિટલ યુદ્ધ કયું નવું સ્વરૂપ લેશે તેના પર સમગ્ર વિશ્વના આઈટી સેક્ટરની નજર મંડાયેલી છે.
કંપનીનો દાવો છે કે, આ વિશ્વનું સૌથી મોટું ઓપન-વેઈટ એઆઈ મોડલ છે. તેને ડેવલપર્સ અને રિસર્ચર્સ પોતાની જરૂરિયાત મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે. તેનો ઉપયોગ વિવિધ પ્રકારની એઆઈ એપ્સ બનાવવા માટે પણ થઈ શકે છે.
કિમી કે૩માં અંદાજે ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ છે. તેમાં એક સમયે જરૂરી ભાગ જ એક્ટિવ થાય છે. જેના કારણે ઓછા કમ્પ્યુટિંગ રિસોર્સ વચ્ચે પણ તે અસરકારક રીતે કામ કરી શકે છે.
આ ટેકનોલોજીને મિક્ચર ઓફ એક્સપર્ટ્સ આર્કિટેક્ચર તરીકે ઓળખવામાં આવે છે.
કંપનીના જણાવ્યા અનુસાર કિમી કે-૩ માત્ર સામાન્ય પ્રશ્નોના જવાબ આપવા પૂરતું સીમિત નથી. તે લાંબા દસ્તાવેજો વાંચી અને તેનો સારાંશ તૈયાર કરી શકે છે, જટિલ પ્રશ્નોનું વિશ્લેષણ કરી શકે છે, વિવિધ પ્રોગ્રામિંગ લેગ્વેજમાં કોડ લખી શકે છે તેમજ કોડમાં રહેલી ભૂલો શોધીને તેને સુધારવામાં પણ મદદરૂપ બને છે.
આ મોડેલને એઆઈ એજન્ટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે એટલે કે તે માત્ર સૂચના આપતા જવાબ આપતો ચેટબોટ નથી. તે અનેક તબક્કામાં કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તે માહિતી એકત્ર કરી શકે છે, તેનું વિશ્લેષણ કરી શકે છે. રિપોર્ટ તૈયાર કરવા અને ચોક્કસ કાર્ય માટે જરૂરી સ્ટેપ્સ પણ તે લઈ શકે છે.
(5:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
