<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

વિનાશના આરે માનવજાત: ૨૧૦૦ની સાલ સુધીમાં AIની ગુલામી અને પરમાણુ યુદ્ધ પૃથ્વી પરથી માનવ અસ્તિત્વનો નકશો ભૂંસી નાખશે

વિશ્વભરના વૈજ્ઞાનિકો અને સંશોધકોની કાળજું કંપાવનારી ચેતવણીથી હાહાકાર: કૃત્રિમ બુદ્ધિમત્તા અને ન્યુક્લિયર બોમ્બનો ખૌફનાક ખેલ આખી માનવસૃષ્ટિને હોમી દેશે

નવી દિલ્હી:આગામી સદી સુધીમાં સમગ્ર પૃથ્વી પરથી માનવજાતનું અસ્તિત્વ કાયમ માટે મટી જવાનો અત્યંત સનસનાટીભર્યો અને ચોંકાવનારો ખુલાસો થતાં આખા વિશ્વમાં ભયાનક ફફડાટ વ્યાપી ગયો છે. સંશોધકો અને વૈજ્ઞાનિકોના મતે ૨૧૦૦ની સાલ આવતાં સુધીમાં બેસૂમાર વધતી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની તાકાત અને સત્તાધીશો વચ્ચે ખેલાઈ રહેલા પરમાણુ શસ્ત્રોના હોડ માનવજાત માટે સાક્ષાત કાળ સાબિત થશે. માણસ જે રીતે ટેકનોલોજીની અંધાધૂંધ દોડમાં AIને સર્વોપરી બનાવી રહ્યો છે અને ગ્લોબલ મહાસત્તાઓ એકબીજા પર ન્યુક્લિયર બોમ્બ ઝીંકવાની ફિરાકમાં છે, તેનાથી પૃથ્વી પર મહાવિનાશ સર્જાવાનો પૂરેપૂરો ખતરો ઊભો થયો છે. આ ભયાનક ચેતવણી સામે આવતાં જ વિશ્વભરના બુદ્ધિજીવીઓ અને સંસ્થાઓના છાતીના પાટિયા બેસી ગયા છે, જ્યારે આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માનવજાતને જ પોતાની ગુલામ બનાવીને પરમાણુ યુદ્ધના ધડાકા સાથે સમગ્ર સૃષ્ટિનો ખાતમો બોલાવી દેશે તેવા ખૌફનાક એંધાણથી ભારે સન્નાટો છવાઈ ગયો છે.

આ મૂલ્યાંકન માટે નિષ્ણાતોએ સ્વાસ્થ્ય અને અસ્તિત્વ સામે ઊભાં થઈ શકે તેવાં સેંકડો જોખમોનો અભ્યાસ કર્યો હતો. તેમાં ૧૭ મુખ્ય જોખમોની ઓળખ કરવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે એઆઈનો દુરુપયોગ કરીને જૈવિક હથિયારોના વિકાસમાં મદદ મેળવી શકાય છે. આ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ માનવ સ્વાસ્થ્ય અને વૈશ્વિક સુરક્ષા માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
પરમાણુ યુદ્ધની અસર માત્ર તાત્કાલિક જાનહાનિ સુધી મર્યાદિત નહીં રહે. મોટા પાયે પરમાણુ વિસ્ફોટથી વાતાવરણમાં ધૂળ અને અન્ય કણો ફેલાઈ શકે છે, જે સૂર્યપ્રકાશને અવરોધી શકે છે. તેના કારણે વૈશ્વિક તાપમાન અને ખેતી પર અસર પડી શકે છે તથા મોટા પાયે ભૂખમરાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ પરિસ્થિતિ માનવજાતના અસ્તિત્વ માટે પણ જોખમી બની શકે છે.
મૂલ્યાંકનમાં અન્ય ૧૫ મોટા જોખમોની પણ ઓળખ કરવામાં આવી છે. તેમાં વાયુ પ્રદૂષણ, આબોહવા પરિવર્તન, એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, બાળ કુપોષણ, પરંપરાગત યુદ્ધો, આંતરરાષ્ટ્રીય આરોગ્ય સહાયમાં ઘટાડો, હાઈ બ્લડ પ્રેશર, આવકની અસમાનતા, શિક્ષણનું નીચું સ્તર, કુદરતી રોગચાળા, સ્થૂળતા, માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ, ધૂમ્રપાન અને બિનઆરોગ્યપ્રદ વૃદ્ધાવસ્થાનો સમાવેશ થાય છે.

 

(5:44 PM IST)