News of Wednesday, 1st July 2026
માસૂમ બાળકને ફક્ત જંક ફૂડ ખવડાવે રાખ્યું, ૭ વર્ષની ઉંમરે ૧૧૫ કિલોનો કરી દીધો, દર્દનાક મોત નિપજ્યું
અમેરિકાના મિશિગનથી એક એવો ચોંકાવનારો મામલો આવ્યો છે જેણે માતાની મમતા અને પિતાના પ્રેમ પર સવાલ ઊભા કરી નાખ્યાઃ સાત વર્ષના પુત્રની એવી હાલત કરી કે દર્દનાક રીતે મોતને ભેટ્યોઃ જાણીને અરેરાટી થશે

મિશિગન તા.૧: દુનિયામાં ભગવાન પછી બીજુ નામ માતાનું આવતું હોય છે. માતા બાળકના ઉછેરમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આ તે કેવી માતા છે જેણે એક સાત વર્ષના બાળકનો ઉછેર એવી રીતે કર્યો કે તેને ભોજનમાં કોઈ પૌષ્ટિક ખૌરાક નહીં પરંતુ જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખવડાવ્યા રાખ્યું જેને કારણે છોકરાનું વજન માત્ર ૭ વર્ષની ઉંમરે ૨૫૫ પાઉન્ડ એટલે કે ૧૧૫ કિલોગ્રામથી પણ વધી ગયું હતું. યોગ્ય ખોરાકના અભાવે તથા મોટાપા અને માતા પિતાની ભયાનક બેદરકારીના પગલે આ માસૂમ ગત વર્ષ નવેમ્બરમાં તડપી તડપીને મોતને ભેટ્યો.
આ મામલે જેનેસી કાઉન્ટીના પ્રોસિક્યુટર્સે સોમવારે મોટી કાર્યવાહી કરી અને બાળકના માતા પિતા ડેમિયન ઓ બ્રાયન (૪૦) અને જેસિકા ઓ બ્રાયન (૪૧) પર સેકન્ડ ડિગ્રી મર્ડર, ટોર્ચર અને બાળ શોષણના ગંભીર આરોપ લગાવ્યા.
પ્રોસિક્યુટર ડેવિડ લેટને ખુબ જ ભારે મને કહ્યું કે આ ખુબ દુઃખદ અને હચમચાવી નાખે તેવી સ્થિતિ છે. મારી કરિયરમાં મે આવો ભયાનક મામલો આજ સુધી જોયો નથી. બાળકની કફોડી સ્થિતિ થઈ હતી
માસૂમ બાળક કેસ્પર ઓ બ્રાયનની લંબાઈ ફક્ત ૪ ફૂટ અને ૨.૫ ઈંચ હતી પરંતુ તેનું વજન કોઈ વયસ્ક કુસ્તીબાજ કરતા વધુ હતું.
મેડિકલ એક્ઝામિનરના ઓટોપ્સી રિપોર્ટ મુજબ કેસ્પરના મોતનું મુખ્ય કારણ ડાઈલેટેડ કાર્ડિયોમાયોપેથી હતું. આ એક એવી જીવલેણ સ્થિતિ હોય છે જેમાં વધુ પડતા મોટાપા અને વજનના કારણે હ્રદયનો આકાર સામાન્યથી ઘણો મોટો અને નબળો થઈ જાય છે.
જેના કારણે તે યોગ્ય રીતે લોહીને પંપ કરી શકતું નથી. ધીરે ધીરે તેની અસર ફેફસા અને શરીરના બાકી ભાગો પર થવા લાગે છે. પ્રોસિક્યુટર લેટને જણાવ્યું કે કેસ્પર ન તો બોલી શકતો હતો કે ન તો ચાલી કે હરીફરી શકતો હતો. આખો દિવસ બેડ પર પડ્યો રહેતો હતો. જેના કારણે તેના શરીર પર ખુબ જ ગંભીર અને દર્દનાક બેડ સોર એટલે કે બેડ સતત પડ્યા રહેવાથી જે ઊંડા ઘા પડી જાય છે તે અને અનેક પ્રકારના રેશેઝ થઈ ગયા હતા.
પોલીસ અને ચાઈલ્ડ પ્રોટેક્ટિવ સેવાની તપાસમાં જે ચોંકાવનારી વાત સામે આવી તે હચમચાવી નાખે તેવી છે.
જે ઘરમાં પરિવાર રહેતો હતો ત્યાં ચારેબાજુ કચરાના ઢગલા હતા. માતા પિતાએ ઘરને એક કબાડખાનું બનાવી નાખ્યું હતું અને ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવું હતું.
બાળક ૭ વર્ષનું થવા છતાં તેને કોઈ શાળામાં મૂક્યો નહતો. અધિકારીઓના જણાવ્યાં મુજબ માતા પિતા બાળકને કોઈ પોષણયુક્ત આહાર આપતા નહતા. તેને સતત જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ આપતા હતા. વીમો છતાં ન કરાવી સારવાર ફરિયાદ મુજબ ઓબ્રાયન પરિવાર સારી સ્વાસ્થ્ય વીમા સુવિધા પણ ધરાવતો હતો આમ છતાં બાળકને ક્યારેય ડોક્ટર પાસે યોગ્ય સારવાર કરાવવા માટે લઈ ગયા નહીં. મેડિકલ રેકોર્ડ મુજબ કેસ્પર છેલ્લે ફેબ્રુઆરી ૨૦૨૪માં ડોક્ટર પાસે ગયો હતો. ત્યારે તેનું વજન ૪૭ કિલો હતું અને મેટાબોલિક બીમારી અને ઉધરસની તકલીફ હતી. તે સમયે ડોક્ટરે માતાને ચોખ્ખા શબ્દોમાં ચેતવી હતી કે બાળકને હેલ્ધી ડાયેટ અને કસરત કરાવો. આ સાથે જ પીડિયાટ્રિક એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે રેફર કર્યો હતો. પરંતુ આમ છતાં આ કસાઈ માતા પિતાએ ડોક્ટરની શીખામણ ગણકારી નહીં.
પોલીસે માતા પિતાને ગયા અઠવાડિયે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. જ્યાંથી તેમને જેનેસી કાઉન્ટી જેલમાં કોઈ પણ જામીન વગર બંધ કરી દેવાયા. આ કેસની આગામી સુનાવણી હવે ગુરુવારે છે. ડેમિયનના વકીલનું કહેવું છે કે જ્યાં સુધી કોર્ટમાં આરોપ સાબિત ન થાય ત્યાં સુધી મારો અસીલ નિર્દોષ છે. જ્યારે જેસિકાના વકીલે હજુ સુધી કોઈ નિવેદન આપ્યું નથી. તપાસકર્તાઓએ જણાવ્યું કે ચાઈલ્ડ અબ્યુઝનો એક મામલો તેમની ૫ વર્ષની દીકરી સાથે પણ જોડાયેલો છે. જેને હવે આ નરક જેવા ઘરમાંથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત ફોસ્ટર કેરમાં મોકલી દેવાયા છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
