<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ઈરાનનો અમેરિકાને લલકાર: ‘ગમે તે થાય, યુરેનિયમ આપવાનો સવાલ જ નથી!’: સીઝફાયર વચ્ચે તેહરાનનો જડબાતોડ જવાબ

પરમાણુ શક્તિ મુદ્દે જંગ ફાટી નીકળશે? અમેરિકાના દબાણ સામે ઈરાને નમતું ન જોખ્યું:વ્હાઈટ હાઉસના પ્રસ્તાવને ફગાવી દેતા ઇન્ટરનેશનલ મીડિયામાં ખળભળાટ:મધ્ય પૂર્વમાં શાંતિની આશા પર ફરી વળ્યું પાણી

નવી દિલ્હી: મધ્ય પૂર્વમાં એકબાજુ સીઝફાયરની વાટાઘાટો ચાલી રહી છે, ત્યાં બીજીબાજુ ઈરાને પરમાણુ મુદ્દે પોતાનું વલણ વધુ કડક બનાવીને અમેરિકાની ઊંઘ ઉડાડી દીધી છે. ઈરાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે પોતાનો યુરેનિયમનો જથ્થો કોઈ પણ સંજોગોમાં સોંપશે નહીં. અમેરિકા લાંબા સમયથી ઈરાન પર પરમાણુ કાર્યક્રમ રોકવા માટે દબાણ કરી રહ્યું હતું, પરંતુ ઈરાનના આ તાજેતરના નિવેદને બધી જ ગણતરીઓ ઊંધી પાડી દીધી છે.

નિષ્ણાંતો માની રહ્યા છે કે ઈરાન પાસે હવે પરમાણુ બોમ્બ બનાવવા માટે પૂરતું યુરેનિયમ ઉપલબ્ધ છે અને તે જ કારણ છે કે તે અમેરિકા સામે આટલી આક્રમકતા બતાવી રહ્યું છે. આ નિવેદન બાદ વોશિંગ્ટનમાં હાઈ-લેવલ મીટિંગોનો દોર શરૂ થયો છે. જો યુરેનિયમ મુદ્દે સમાધાન નહીં થાય, તો સીઝફાયર માત્ર કાગળ પર રહી જશે અને ફરી એકવાર આખું ક્ષેત્ર યુદ્ધની જ્વાળાઓમાં હોમાઈ શકે છે. ઈરાને એમ પણ કહી દીધું છે કે જો તેના પર પ્રતિબંધો વધારવામાં આવશે તો તે તેના પરમાણુ કાર્યક્રમની ગતિ બમણી કરી દેશે.

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીના હાલના નિવેદનો પર સ્પષ્ટતા કરતા બઘાઈએ જણાવ્યું કે, 8 એપ્રિલના રોજ ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલ યુદ્ધવિરામનો અમલ થઈ રહ્યો છે. જોકે, આ કોઈ નવી વાતચીત કે સંબંધો સુધારવાનો સંકેત નથી. અગાઉ અરાઘચીએ સંકેત આપ્યો હતો કે, હોર્મુઝની ખાડી વ્યાપારી જહાજો માટે ખુલ્લી રહેશે. જેનો અર્થ એ હતો કે તેહરાને વોશિંગ્ટન સાથેના કરાર મુજબ સુરક્ષિત રસ્તાની વ્યવસ્થા લાગુ કરી છે.

ઈરાને ગંભીર આરોપ લગાવ્યો છે કે, અમેરિકાએ શરૂઆતથી જ આ સમજૂતીનું પાલન કર્યું નથી. ખાસ કરીને લેબનાન પર યુદ્ધવિરામ લાગુ કરવાના વચનને અમેરિકાએ નિભાવ્યું નથી.

બઘાઈએ ચેતવણી આપી છે કે, જો અમેરિકા હોર્મુઝની ખાડીમાં નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે, તો ઈરાન જડબાતોડ જવાબ આપશે. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીથી ઈરાને આ રસ્તા પર પોતાની પકડ મજબૂત કરી છે. ઈઝરાયલ-અમેરિકાના જહાજો પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઈરાન પર થયેલા હુમલાના જવાબમાં આ દેશોના જહાજો માટે રસ્તો બંધ કરાયો હતો. જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ પણ ઈરાની બંદરો પર નાકાબંધી કરી છે.

(5:34 PM IST)