<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ઈરાનનો દબદબો ખતમ!: તેલના સપ્લાય માટે ખાડી દેશોએ ‘માસ્ટરપ્લાન’ ઘડ્યો:હવે હોર્મુઝની સંકડામણ વચ્ચેથી નીકળવાની જરૂર નહીં રહે

ઈરાનની વર્ષો જૂની દાદાગીરીનો અંત આવશે?: અબજો ડોલરના ખર્ચે બની રહેલા નવા પાઈપલાઈન નેટવર્ક અને બાયપાસ રૂટથી તેલ સીધું અરબી સમુદ્ર અને લાલ સમુદ્રમાં પહોંચશે:વિશ્વના તેલ બજારમાં નવા સમીકરણો

નવી દિલ્હી: ઈરાન જ્યારે પણ ઈઝરાયેલ કે અમેરિકા સાથે સંઘર્ષમાં ઉતરે છે, ત્યારે સૌથી પહેલી ધમકી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) બંધ કરવાની આપે છે. આ સાંકડા દરિયાઈ માર્ગેથી દુનિયાનું ૨૦ ટકા તેલ પસાર થાય છે. પરંતુ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) સહિતના ખાડી દેશોએ ઈરાન પરની આ નિર્ભરતા ઘટાડવા માટે એક વિશાળ ‘બાયપાસ’ રસ્તો શોધી કાઢ્યો છે.
સાઉદી અરેબિયાએ તેની સૌથી મહત્વની પેટ્રોલાઈનને ફૂલ સ્પીડ પર ચલાવવાનો નિર્ણય લીધો છે. આ પાઈપલાઈન તેલને અબકાઈક (પૂર્વી ક્ષેત્ર) થી સીધું યંબુ પોર્ટ (લાલ સમુદ્ર) સુધી પહોંચાડે છે. આની ક્ષમતા 70 લાખ બેરલ પ્રતિ દિન છે. અગાઉ અહીંથી માત્ર 17 લાખ બેરલ મોકલાતું હતું, જે માર્ચ 2026 માં વધારીને 59 લાખ બેરલ કરી દેવાયું છે. આનાથી તેલ હોર્મુઝની જરૂરિયાત વગર જ યુરોપ અને એશિયા પહોંચી શકશે.
સંયુક્ત આરબ અમીરાતે પણ હોર્મુઝના રસ્તાને બાયપાસ કરવા માટે તૈયારી કરી લીધી છે. 380 કિમી લાંબી આ પાઈપલાઈન હબશાન તેલ ક્ષેત્રને સીધું ફુજૈરા પોર્ટ સાથે જોડે છે, જે ઓમાનની ખાડીની બહાર અરબ સાગરમાં સ્થિત છે. ફુજૈરા પોર્ટથી તેલ સીધું હિંદ મહાસાગરમાં જાય છે, જેનાથી ઈરાન સાથેના સીધા ટકરાવની શક્યતા ઘટી જાય છે. મળતી વિગતો મુજબ, ખાડી દેશોએ પોતાની નવી પાઈપલાઈનનું નેટવર્ક એટલી હદે વિસ્તારી દીધું છે કે હવે તેમનું તેલ ઈરાનના પાણીમાં ગયા વગર સીધું જ ખુલ્લા સમુદ્રમાં પહોંચી શકશે. સાઉદી અરેબિયાની ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન અને UAE ની ફુજૈરાહ પાઈપલાઈન હવે એવી રીતે કનેક્ટ થઈ રહી છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં પણ દુનિયાને તેલ મળતું રહેશે અને ઈરાનનો ‘ચોકપોઈન્ટ’ કોઈ કામનો નહીં રહે. આ માસ્ટરસ્ટ્રોકને કારણે ઈરાન હવે દુનિયાને બ્લેકમેલ નહીં કરી શકે. જાણકારોના મતે, આ ડેવલપમેન્ટ પછી મિડલ ઈસ્ટમાં ઈરાનનો વ્યૂહાત્મક હાથ નબળો પડશે અને ખાડીના દેશો વધુ સુરક્ષિત બનશે.

 

(5:52 PM IST)