<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

કુદરતનો કહેર કે માનવીની ભૂલ?: ૨૦૨૬નું વર્ષ બનશે પૃથ્વીનું ‘ભઠ્ઠી’ જેવું સૌથી ગરમ વર્ષ

વિજ્ઞાનીઓની ડરામણી ભવિષ્યવાણીથી દુનિયામાં ફફડાટ: ગરમીના તમામ રેકોર્ડ તૂટશે, હીટવેવ મચાવશે હાહાકાર:શું માનવજાત આ પ્રકોપ ખમી શકશે? સમુદ્રનું સ્તર વધશે અને બરફ ઓગળશે: કુદરતનું સંતુલન બગડતા ભયાનક સંકટના એંધાણ:હવે નહીં સુધરો તો બહુ મોડું થઈ જશે

નવી દિલ્હી: દુનિયાના ટોચના હવામાનશાસ્ત્રીઓ અને પર્યાવરણ વિજ્ઞાનીઓએ એક સંયુક્ત અહેવાલમાં ભયાનક દાવો કર્યો છે કે વર્ષ ૨૦૨૬ અત્યાર સુધીના ઈતિહાસનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. પૃથ્વીનું સરેરાશ તાપમાન જે ઝડપે વધી રહ્યું છે તેનાથી 'અલ નીનો' (El Nino) ની અસર વધુ વિકરાળ બનશે. વૈજ્ઞાનિકોના મતે, આ માત્ર ગરમી જ નહીં પણ અચાનક આવતા પૂર, વાવાઝોડા અને દુષ્કાળ જેવી આફતોનું પેકેજ લઈને આવશે.
આપણે સૌ જાણીએ છીએ કે, 2024 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તર કરતા પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. જોકે, 2025માં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે, પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, 2026માં સ્થિતિ વધુ ગંભીર બનશે. કોલંબિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાનસેને જણાવ્યું છે કે, આ માત્ર એક અનુમાન નથી, પરંતુ ગાણિતિક મોડલ્સ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત ગંભીર ચેતવણી છે.
અલ-નીનો એ પ્રશાંત મહાસાગરમાં સર્જાતી એક કુદરતી ઘટના છે. સામાન્ય રીતે દક્ષિણ અમેરિકા પાસેના દરિયાનું પાણી ઠંડું હોય છે, પરંતુ અલ-નીનો દરમિયાન આ પાણી ગરમ થવા લાગે છે. જ્યારે આ ગરમી સામાન્ય કરતા ઘણી વધી જાય, ત્યારે તેને સુપર અલ-નીનો કહેવામાં આવે છે. આના કારણે પૃથ્વીની હવાનું વહેણ બદલાય છે. જેની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે. વૈજ્ઞાનિકોના મતે 2025ના બીજા ભાગમાં અલ-નીનો શરૂ થશે, જેની વિનાશક અસર 2026માં પૂર્ણરૂપે જોવા મળશે.
જેમ્સ હાનસેને જ વૈજ્ઞાનિક છે જેમણે 1988માં પહેલીવાર અમેરિકી કોંગ્રેસને ચેતવણી આપી હતી કે, માનવીય પ્રવૃત્તિઓને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. તેમની નવી રિપોર્ટ મુજબ માર્ચ 2026 સુધીમાં મહાસાગરના ઉપરના 300 મીટર પાણીનું તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રી વધુ હતું, જે એપ્રિલ સુધીમાં 1.6 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વર્ષ 2026નું તાપમાન 2024 કરતા પણ 0.06 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની શક્યતા છે. આ આગાહી મુજબ, 2026 બાદ 2027નું વર્ષ કદાચ આનાથી પણ વધુ ગરમ હોઈ શકે છે.

 

(6:15 PM IST)