<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

કેનેડામાં ‘મહા-સફાઈ’ અભિયાન: ૩૦,૦૦૦ થી વધુને દેશનિકાલ કરવાની તૈયારી: ટ્રુડો સરકારની કડક ‘ડિપોર્ટેશન’ નોટિસથી ફફડાટ

ખાલિસ્તાની તત્વોનું ટેન્શન વધ્યું: ગેરકાયદે રહેતા અને વિઝાના નિયમો તોડનારાઓ સામે લાલ આંખ: ભારત વિરોધી ગતિવિધિ કરનારાઓ પર પણ સંકટના વાદળો

નવી દિલ્હી: કેનેડાના ઉદારવાદી વલણમાં હવે મોટો પલટો આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. કેનેડાની બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) એ મોટા પાયે 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અંદાજે ૩૦,૦૦૦ થી વધુ વિદેશી નાગરિકોને કેનેડા છોડી દેવા માટેની સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે અથવા તેમની ફાઈલો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ નોટિસ મળનારાઓમાં એવા લોકો સામેલ છે જેમના વિઝાની મુદ્દત પૂરી થઈ ગઈ છે અથવા જેમણે શરણાર્થી (Asylum) તરીકે ખોટી રીતે અરજી કરી હતી. ખાસ વાત એ છે કે આ કાર્યવાહીને કારણે કેનેડામાં રહીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતા અને ખાલિસ્તાની વિચારધારા ધરાવતા તત્વોમાં ભારે ફાળ પડી છે. કેનેડાની જનતામાં વધતા આક્રોશ અને હાઉસિંગ કટોકટીને કારણે સરકારે આ કઠોર નિર્ણય લેવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં હજારો ભારતીયો સહિતના અન્ય વિદેશીઓને પરત મોકલવાની પ્રક્રિયા વેગ પકડશે.
ઇમિગ્રેશન વિભાગ(IRCC) દ્વારા લગભગ 30,000 જેટલા અરજદારોને 'પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ' મોકલવામાં આવ્યા છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની અરજીઓ નિર્ધારિત ધોરણો પર ખરી ઉતરતી નથી. જોકે, સરકાર આને સીધો 'ડિપોર્ટેશન ઓર્ડર' નથી ગણાવી રહી, પરંતુ ચેતવણી જરૂર આપી છે કે જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં કેનેડા છોડવું પડશે. આ કડક કાર્યવાહી પાછળ નવો કાયદો 'બિલ સી-12'(Bill C-12) જવાબદાર છે, જેણે શરણ લેવાના નિયમો અત્યંત જટિલ બનાવી દીધા છે.
નવા નિયમો મુજબ, જે લોકો કેનેડા આવ્યાના એક વર્ષની અંદર શરણ માટે અરજી નથી કરતા અથવા અમેરિકાની સરહદથી અનિયમિત રીતે કેનેડા પ્રવેશીને 14 દિવસમાં દાવો નથી કરતા, તેમને અપાત્ર જાહેર કરી શકાય છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કેનેડામાં છુપાયેલા ભારત વિરોધી તત્વો પર લગામ કસાશે. જોકે, વકીલો અને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે રૂબરૂ સુનાવણીને બદલે માત્ર કાગળ પર લેવાતા નિર્ણયોને કારણે સાચા અરજદારોને પણ અન્યાય થઈ શકે છે. હાલમાં હજારો લોકો કેનેડામાં અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

 

(5:39 PM IST)