તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th July 2026
બલૂચિસ્તાનમાં ભીષણ રક્તપાત: લશ્કરી ચોકીઓ અને સેનાના કાફલા પર BLA નો ચોંકાવનારો આત્મઘાતી હુમલો:આખું સૈન્ય કેમ્પ બ્લાસ્ટથી ઉડાવી દીધું
પાકિસ્તાની આર્મીના ૪૫ જવાનોના મોતથી ઇસ્લામાબાદમાં હડકંપ: BLA એ હથિયારો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો લૂંટ્યો: સેનાનું વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ

નવી દિલ્હી: બલૂચિસ્તાન પ્રાંતમાં લાંબા સમયથી ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ વચ્ચે બલૂચ લિબરેશન આર્મી (BLA) એ અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો કરીને પાકિસ્તાની સિક્યોરિટી ફોર્સિસને ભારે નુકસાન પહોંચાડ્યું છે. BLA ના પ્રવક્તાએ મીડિયા સ્ટેટમેન્ટ જાહેર કરીને દાવો કર્યો છે કે, તેમના ખાસ તાલીમબદ્ધ લડવૈયાઓએ પાકિસ્તાની સેનાના એક મુખ્ય કેમ્પ અને પેટ્રોલિંગ કરી રહેલા સૈન્ય કાફલા પર બહુવિધ દિશાઓથી એકસાથે ઓચિંતો હુમલો (Ambush) કર્યો હતો. આ હુમલામાં આધુનિક હથિયારો, રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) અને આત્મઘાતી વિસ્ફોટકોનો ભારે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ૪૫ પાકિસ્તાની સૈનિકો સ્થળ પર જ માર્યા ગયા છે.
BLAના પ્રવક્તા જીયંદ બલોચ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, આ ઓપરેશનને સંગઠનની ખાસ કમાન્ડો વિંગ ફતહ સ્ક્વોડ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેનાના જવાનોને લઈ જઈ રહેલી બસો અને તેમની સુરક્ષામાં તહેનાત એસ્કોર્ટ વાહનો પર લડાકુઓએ એકાએક હુમલો કરી દીધો હતો. એટલું જ નહીં, પ્રાથમિક હુમલા બાદ ઘટનાસ્થળે મદદ માટે પહોંચેલી વધારાની સૈન્ય ટુકડીઓ પર પણ ઓચિંતો હુમલો કરીને તેમને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, સૈન્ય કાફલા પર હુમલા બાદ બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી સામસામે ભારે ગોળીબાર અને સશસ્ત્ર અથડામણ ચાલી હતી. બલૂચ સંગઠનનો દાવો છે કે રણનીતિ પૂર્વક કરાયેલી આ કાર્યવાહીમાં સૈન્યને મોટો ફટકો પડ્યો છે અને મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. BLAએ ટૂંક સમયમાં જ આ ઓપરેશનનો વીડિયો, હુમલાની સંપૂર્ણ રણનીતિ અને પાકિસ્તાની સેનાના કબ્જામાંથી જપ્ત કરાયેલા સૈન્ય હથિયારો તથા સાધનોની વિગતો જાહેર કરવાની પણ જાહેરાત કરી છે.
બીજી તરફ, આટલા મોટા હુમલા અને જાનહાનિના દાવા અંગે પાકિસ્તાની સેના (ISPR) કે પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનાઓથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની આર્મી, પેરા મિલિટરી ફોર્સ અને સરકારી પ્રોજેક્ટ્સ પર BLA દ્વારા હુમલા ખૂબ જ તીવ્ર બની ગયા છે, જેના કારણે આખા ક્ષેત્રમાં ભારે તણાવની સ્થિતિ છે અને ઇસ્લામાબાદ પર સુરક્ષા વ્યવસ્થાને લઈને દબાણ સતત વધી રહ્યું છે.
(5:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
