<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં કોલસાની ખાણમાં પ્રચંડ વિસ્ફોટ: ૩૨ શ્રમિકોના કરૂણ મોત:૧૦ હજુય અંદર ફસાયેલા હોવાની શંકા

ખાણમાં ઝેરી ગેસના લીકેજ બાદ મોટો ધમાકો: રેસ્ક્યુ ઓપરેશન ચાલુ:મૃત્યુઆંક હજુ વધવાની ભીતિ વચ્ચે પરિવારજનોમાં અરેરાટી

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં આવેલી એક કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ થતાં મોટી હોનારત સર્જાઈ છે; પ્રાથમિક માહિતી મુજબ ખાણની અંદર ખતરનાક મિથેન ગેસ લીક થવાના કારણે પ્રચંડ ધમાકો થયો હતો, જેમાં કામ કરી રહેલા ૩૨ જેટલા શ્રમિકોના કરૂણ મોત નિપજ્યા છે; વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ખાણનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે ૧૦થી વધુ શ્રમિકો હજુ પણ સેંકડો ફૂટ ઊંડે કાટમાળ નીચે ફસાયેલા હોવાનું મનાઈ રહ્યું છે; ઘટનાની જાણ થતાં જ રાહત અને બચાવ કાર્યકર્તાઓની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે; બલૂચિસ્તાનની ખાણોમાં સુરક્ષાના અપૂરતા સાધનોના કારણે અવારનવાર આવી ગંભીર દુર્ઘટનાઓ સર્જાતી હોય છે.

બલૂચિસ્તાનના ખાણ અને ખનીજ વિકાસ મંત્રી શોએબ નોશેરવાણીએ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્ય સરકાર વિસ્ફોટમાં જીવ ગુમાવનારા દરેક મજૂરના પરિવારને 5 લાખ પાકિસ્તાની રૂપિયા (લગભગ 1,800 USD) નું વળતર આપશે. આ ઉપરાંત અધિકારીઓ ઘટનાના કારણોની સંપૂર્ણ તપાસ કરશે અને ખાણ સુરક્ષાના નિયમોની સમીક્ષા કરશે.

ચીફ ઈન્સ્પેક્ટર ઓફ માઈન્સ મોહમ્મદ આતિફે જણાવ્યું કે બચાવ કામગીરી જમીનથી લગભગ 4,000 ફૂટ (1,219 મીટર) ની ઊંડાઈએ ચલાવવામાં આવી રહી છે. જમીનમાં વધુ ઊંડાઈ અને ઝેરી ગેસના ખતરાને કારણે રેસ્ક્યૂ ટીમોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાન સેન્ટ્રલ માઈન્સ લેબર ફેડરેશન અને મજૂર યુનિયને આ ઘટના સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. તેમણે સરકાર પાસે સુરક્ષા નિયમોનું સખત પાલન કરાવવાની અને ખાણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(5:27 PM IST)