<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

પાડોશી દેશમાં પ્રચંડ વિસ્ફોટ: પાકિસ્તાનમાં ગેસ પાઈપલાઈન ફાટતા ભયાનક આગ:માસૂમ બાળકો સહિત ૮ના કમકમાટીભર્યા મોત

હરિપુરના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાળમુખો બ્લાસ્ટ: રહેણાંક મકાનો આગની લપેટમાં આવ્યા:ગૂંગળામણ અને દાઝી જવાથી અનેક લોકોના જીવ ગયા: ૧૧થી વધુ ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના હરિપુર જિલ્લામાં આવેલી હત્તાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે સાંજે ગેસની મુખ્ય પાઈપલાઈન પ્રચંડ ધડાકા સાથે ફાટતા ભારે તબાહી મચી છે. ૧૬ ઈંચની ડાયામીટર ધરાવતી આ પાઈપલાઈનમાં થયેલા બ્લાસ્ટ બાદ આકાશમાં આગના ગોળા ઉછળ્યા હતા અને જોતજોતામાં આગે આસપાસના રહેણાંક મકાનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા.
આ કરુણ ઘટનામાં ૭ બાળકો અને એક મહિલા સહિત કુલ ૮ લોકોના મોત નીપજ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોટાભાગના મોત ગૂંગળામણના કારણે થયા છે. આગ એટલી ભયાનક હતી કે બચાવ ટીમોને તેના પર કાબૂ મેળવતા કલાકો લાગ્યા હતા. ૧૧થી વધુ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાનમાં જર્જરિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે અવારનવાર સર્જાતી આવી હોનારતોએ ફરી એકવાર માસૂમોનો ભોગ લીધો છે.

 

(5:37 PM IST)