<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

યુરોપમાં કુદરતનો પ્રકોપ, ભયંકર હીટવેવથી હાહાકાર: ગરમીથી બચવા જળાશયોમાં નહાવા પડેલા 55 નાગરિકોના ડૂબી જવાથી કરૂણ મોત: શાળાઓ-કોલેજોને તાળાં વાગ્યા, અતિશય તાપમાનથી હાઈવે પીગળ્યા અને રેલ્વે ટ્રેક વાંકા વળ્યા!

વિકસિત દેશો ગ્લોબલ વોર્મિંગ સામે લાચાર: 'Thermal Buckling' થતાં યુરોપના આધુનિક હાઈવે કડડભૂસ!: સરકારે જાહેર કરી રેડ એલર્ટ એડવાઇઝરી, નાગરિકોને ઘરમાં જ રહેવા આદેશ!

નવી દિલ્હી :ગ્લોબલ ક્લાયમેટ ચેન્જ અને વધતા વૈશ્વિક તાપમાનની કેવી ભયાનક અસરો હોઈ શકે, તેનો જીવંત અને ડરામણો નમૂનો હાલ યુરોપ ખંડમાં જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુરક્ષા અને ક્લાયમેટ ઓડિટ ડેસ્ક રિપોર્ટ મુજબ, ફ્રાન્સ, જર્મની, સ્પેન અને બ્રિટન સહિતના દેશોમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી જતાં આખો દેશ ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે. આ અસહ્ય લૂ અને ગરમીથી બચવા માટે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓ નદીઓ તેમજ સ્વિમિંગ પુલમાં ઉતરી પડ્યા હતા, જ્યાં પૂરતી તકેદારીના અભાવે અને પાણીના અચાનક ઊંડાણને લીધે (Thermal Inundation Casualty) ના ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૫૫થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે હીટસ્ટ્રોકથી બાળકોને બચાવવા શિક્ષણ કાર્ય સંપૂર્ણ બંધ કરી દેવાયું છે. પશ્ચિમી દેશોનું અત્યંત આધુનિક ગણાતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આ કુદરતી આફત સામે ઘૂંટણિયે પડી ગયું છે. ફ્રાન્સમાં ગરમીના કારણે બાળકોના મોતના જે કિસ્સા સામે આવ્યા છે તે કોઈપણ માતા-પિતાની આંખોમાં આંસુ લાવી દે તેવા છે. માર્સેલીની એક હોસ્પિટલમાં 18 મહિનાના એક માસૂમ બાળકનું હાઈપરથર્મિયાના કારણે મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ઓફિસે જતા પિતા પોતાના પુત્રને ડે-કેરમાં ડ્રોપ કરવાનું ભૂલી ગયા અને ભૂલથી તેને ધોમધખતા તડકામાં કારમાં જ બંધ મૂકીને જતા રહ્યા હતા. આ અઠવાડિયાની શરૂઆતમાં પેરિસના એક ઉપનગરમાં એક 3 વર્ષનો છોકરો રમત-રમતમાં કારની અંદર ચઢી ગયો હતો, પરંતુ ચાઈલ્ડ લોક એક્ટિવેટ થઈ જવાને કારણે તે અંદર જ ફસાઈ ગયો અને ગૂંગળામણથી તેનું મોત થઈ ગયું. આ સિવાય એક પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી 2 અને 4 વર્ષના બે સગા ભાઈ-બહેનોના મૃતદેહ મળી આવ્યા હતા.

બ્રિટનમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બ્રિટનના સફોકમાં શુક્રવારે તાપમાન 37.3C નોંધાયું હતું, જે જૂન મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ સાબિત થયો છે. જ્યારે પેરિસમાં બુધવારે પારો 40.9C ને પાર કરી ગયો હતો. ફ્રાન્સના ઇમરજન્સી ડોક્ટર્સ એસોસિએશનના વડા પેટ્રિક પેલોક્સે જણાવ્યું હતું કે, માત્ર પેરિસમાં જ 24 કલાકની અંદર ઇમરજન્સી હેલ્થ સર્વિસની દેખરેખ હેઠળ 55 લોકોના મોત થયા છે. સામાન્ય દિવસોમાં આ આંકડો 24 કલાકમાં માત્ર 3 કે 4 હોય છે.

(5:21 PM IST)