<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

હવે લગ્નમાં મેકઅપ, મહેંદી અને નાચ-ગાન પર પણ પ્રતિબંધ

તાલિબાનનો વધુ એક કડકાઈ ભર્યો નિર્ણય : હવે નવા નિયમો હેઠળ લગ્ન દરમિયાન દુલ્‍હનના શણગાર પર પણ પ્રતિબંધ

 

કાબુલ તા.૨૯: અફઘાનિસ્‍તાનમાં સત્તા સંભાળ્‍યા બાદથી તાલિબાન સતત સામાજિક અને જાહેર જીવન સાથે જોડાયેલા નવા નિયમો અમલમાં મૂકી રહ્યું છે. ખાસ કરીને મહિલાઓના શિક્ષણ, રોજગાર, જાહેર જીવનમાં ભાગીદારી અને પહેરવેશ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચર્ચાનો વિષય રહ્યા છે. હવે લગ્ન સમારોહ સાથે જોડાયેલા નવા નિયમોની પણ ચર્ચા થઈ રહી છે, જેના અનુસાર દુલ્‍હનના શણગાર અને લગ્નની અનેક પરંપરાગત રીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અહેવાલો મુજબ હવે દુલ્‍હનના મેકઅપ, પરફયુમ લગાવવું, મહેંદી મૂકવી અને આઈબ્રો કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંગીત વગાડવું, ડાન્‍સ કરવું, વર-વધૂ દ્વારા એકબીજાને વીંટી પહેરાવવાની વિધિ તેમજ મહેમાનોની સામે બંને સાથે બેસે તેના પર પણ પ્રતિબંધ હોવાની ચર્ચા છે. આ અહેવાલો બાદ સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય સ્‍તરે વ્‍યાપક ચર્ચા શરૂ થઈ છે.

કહેવાઈ રહ્યું છે કે, નવા નિયમો હેઠળ દુલ્‍હનને લગ્ન પ્રસંગે પરંપરાગત કોસ્‍મેટિક મેકઅપ કરવાની મંજૂરી નહીં મળે. ઉપરાંત પરફયુમ લગાવવું, આઈબ્રો કરાવવો અને મહેંદી મૂકવા જેવી વિધિઓ પર પણ પ્રતિબંધની વાત કરવામાં આવી રહી છે. આ દાવાઓ સામે આવ્‍યા બાદ ઘણા લોકોએ સવાલ ઉઠાવ્‍યા છે કે જો આ નિયમો વ્‍યાપક રીતે લાગુ કરવામાં આવશે તો પરંપરાગત લગ્ન સમારોહનું સ્‍વરૂપ સંપૂર્ણપણે બદલાઈ શકે છે.

અહેવાલ મુજબ લગ્ન સમારોહમાં સંગીત વગાડવાની અને નૃત્‍ય કરવાની પણ મંજૂરી નહીં હોય. અફઘાનિસ્‍તાનમાં તાલિબાન અગાઉથી જ જાહેર કાર્યક્રમોમાં સંગીત અંગે કડક વલણ અપનાવતું આવ્‍યું છે. હવે લગ્ન સમારોહમાં પણ આવા જ પ્રતિબંધોની ચર્ચા થઈ રહી છે. તેની અસર એવા પરિવારો પર પડી શકે છે, જ્‍યાં લગ્ન પ્રસંગે સાંસ્‍કૃતિક અને પરંપરાગત કાર્યક્રમો યોજાતા રહ્યા છે.

વાયરલ અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્‍યો છે કે, હવે વર અને વધૂ લગ્ન સમારોહ દરમિયાન એકબીજાને વીંટી પહેરાવી શકશે નહીં. જોકે, એ નોંધવું જરૂરી છે કે અફઘાનિસ્‍તાનમાં લગ્નની પરંપરાઓ વિવિધ સમુદાયો અને વિસ્‍તારો પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. જો કોઈ વિસ્‍તારમાં આવા નિયમો લાગુ કરવામાં આવે તો તેની અસર સ્‍થાનિક સામાજિક અને સાંસ્‍કૃતિક પરંપરાઓ પર પણ પડી શકે છે.

એવું પણ કહેવાઈ રહ્યું છે કે, હવે લગ્ન દરમિયાન વર અને વધૂને મહેમાનોની સામે સાથે બેસવાની પણ મંજૂરી નહીં મળે. આ દાવો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્‍યો છે. જોકે, અલગ-અલગ વિસ્‍તારોમાં આ નિયમોના અમલ અને તેના સ્‍વરૂપમાં તફાવત હોઈ શકે છે. તેથી કોઈપણ દાવાને સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ માનતા પહેલાં સત્તાવાર માહિતી અને વિશ્વસનીય અહેવાલો જોવાનું જરૂરી છે.

મહિલાઓના અધિકારોને લઈને પહેલાથી જ ચાલી રહી છે ચર્ચા અફઘાનિસ્‍તાનમાં મહિલાઓના શિક્ષણ, યુનિવર્સિટીમાં પ્રવેશ, અનેક ક્ષેત્રોમાં રોજગાર અને જાહેર સ્‍થળોએ તેમની ભાગીદારીને લઈને પહેલાથી જ આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. સંયુક્‍ત રાષ્ટ્ર અને વિવિધ માનવાધિકાર સંસ્‍થાઓએ સમયાંતરે મહિલાઓ અને યુવતીઓના અધિકારો સંબંધિત મુદ્દાઓ પર ચિંતા વ્‍યક્‍ત કરી છે. આવા સમયમાં લગ્ન સાથે જોડાયેલા નવા પ્રતિબંધોના અહેવાલોએ આ ચર્ચાને વધુ વેગ આપ્‍યો છે.

(9:57 AM IST)