News of Monday, 29th June 2026
પાકિસ્તાની યુદ્ધવિમાનોનો અફઘાનિસ્તાન સરહદમાં અડધી રાત્રે પ્રચંડ ભડાકો: એર સ્ટ્રાઈકમાં આતંકી ઠેકાણાઓ ધ્વસ્ત થતાં ૩૪થી વધુના મોત
ટીટીપીના કમાન્ડરોને વણસેલી સરહદે વીણી-વીણીને ઠાર કર્યાનો દાવો: તાલિબાન શાસકો લાલચોળ, ગમે તે ઘડીએ વળતો સૈન્ય હુમલો થવાની ભીતિ

નવી દિલ્હી: દક્ષિણ એશિયાના બે પરમાણુ અને સૈન્ય શક્તિ ધરાવતા ક્ષેત્રો વચ્ચે સરહદી સંઘર્ષ હવે ખુલ્લા યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવા સંકેતો મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ડિફેન્સ જર્નલ્સના અહેવાલો અનુસાર, પાકિસ્તાન પર સતત થઈ રહેલા આત્મઘાતી હુમલાઓથી અકળાયેલી પાકિસ્તાની સેનાએ અડધી રાત્રે કડક સૈન્ય ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાનના ફાઇટર જેટ્સે અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનાર પ્રાંતમાં સ્થિત આતંકી કેમ્પો પર અંધાધૂંધ બોમ્બમારો કરીને (Cross-Border Counter-Terrorism Strike) ને અંજામ આપ્યો છે. આ એર સ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં ૩૪ થી વધુ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાં અફઘાનિસ્તાનનો દાવો છે કે સામાન્ય નાગરિકો અને બાળકો પણ ભોગ બન્યા છે.
અહેવાલો અનુસાર, શનિવારે (27મી જૂન) પાકિસ્તાનના કરાચીમાં સ્થિત પાકિસ્તાન રેન્જર્સના મુખ્યાલય પર હથિયારો અને વિસ્ફોટકોથી સજ્જ આતંકીઓએ ઘૂસણખોરી કરીને હુમલો કર્યો હતો. જેમાં પાકિસ્તાની સેનાના 3 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે વળતી કાર્યવાહીમાં 3 આતંકીઓ પણ ઠાર થયા હતા. સેનાએ એક આતંકીની ઈજાગ્રસ્ત હાલતમાં ધરપકડ કરી છે જે અફઘાન નાગરિક હોવાનું સામે આવ્યું છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે જોડાયેલા આતંકી સંગઠન ‘જમાત-ઉલ-અહરર’ દ્વારા સ્વીકારવામાં આવી હતી.
પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારોમાં એક જ મહિનાની અંદર કરવામાં આવેલો આ ચોથો મોટો હુમલો છે. આ અગાઉ ગત 10મી જૂનના રોજ પણ પાકિસ્તાની સેનાના આવા જ એક હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાને હવે અફઘાન સરહદે આતંકીઓના લોકેશન્સ શોધી-શોધીને તેને તોડી પાડવાનું અભિયાન તેજ કર્યું છે.
પાકિસ્તાનના માહિતી મંત્રી અત્તાઉલ્લાહ તરારએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ સૈન્ય કાર્યવાહીની પુષ્ટિ કરતા લખ્યુ, 'દેશભરમાં સુરક્ષા દળો પર તાજેતરમાં થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાઓના જવાબમાં આ કડક ઓપરેશન શરૂ કરાયું છે. પાકિસ્તાન પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સરહદોની રક્ષા મામલે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરે. આતંકવાદીઓના સંપૂર્ણ સફાયા સુધી આ સૈન્ય કાર્યવાહી અટકશે નહીં.'
(5:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
