<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા

કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર

નવી દિલ્હી:પાકિસ્તાનમાં ફરી એકવાર ગૃહયુદ્ધ જેવી સ્થિતિ અને અલગતાવાદની આગ ભભૂકી ઉઠી છે. પાકિસ્તાની સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને સરકાર દ્વારા દેશના વર્તમાન ૪ પ્રાંતોનું વિભાજન કરીને ૧૨ થી ૧૫ નવા પ્રાંતો બનાવવાના પ્લાન સામે સિંધ પ્રાંતમાં ભારે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. આ યોજનાના વિરોધમાં હજારો સિંધી નાગરિકો અને રાષ્ટ્રવાદી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આસિમ મુનીર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને સીધો જ અલગ 'સિંધુદેશ' (Sindhudesh) ની માંગનો બુંગિયો ફૂંકતા પાકિસ્તાન સરકાર અને સેનાના પગ તળેથી જમીન સરકી ગઈ છે!

રંગબેરંગી બસોમાં સવાર થઈને અને પરંપરાગત સિંધિ અજ્રક તથા ટોપીઓ પહેરીને હજારો લોકો કરાચીની સડકો પર વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ સિંધના ભાગલા પાડવાની કોઈપણ યોજનાને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સિંધની અખંડિતતા સાથે સમાધાન નહીં કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. કરાચી ઉપરાંત હૈદરાબાદ, નવાબશાહ, લરકાણા અને અન્ય શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયાં હતાં.

પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવાની ચર્ચા ગૃહમંત્રી મોહસિન નકવી દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેમણે પાકિસ્તાનમાં નાના વહીવટી એકમો બનાવવાની દરખાસ્ત કરી હતી અને આ મુદ્દે જનમત સંગ્રહની વાત પણ કરી હતી. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઇકબાલે હાલના ચાર પ્રાંતોની સંખ્યા વધારીને 12થી 15 કરવાની ચર્ચા કરી છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે 22 નવેમ્બરે કહ્યું હતું કે જનમત સંગ્રહ અંગેની ચર્ચા વર્ષ 2026ના અંત સુધીમાં નક્કર સ્વરૂપ લઈ શકે છે. આ દરખાસ્ત સામે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો-ઝરદારીએ પણ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે સિંધના ભાગલા પાડવાના પ્રયાસો સામે ફેડરલ સરકારને ચેતવણી આપી હતી. બિલાવલે કહ્યું હતું કે સિંધના ભાગલા પાડવાનો પ્રયાસ થાય તો લોકો હથિયાર ઉઠાવી શકે છે અને કરાચી તથા હૈદરાબાદમાં હિંસા થઈ શકે છે.

સિંધના રાષ્ટ્રવાદી સંગઠનોનો આરોપ છે કે આસિમ મુનીર અને પંજાબ-પ્રભુત્વ ધરાવતું સત્તા તંત્ર સિંધની જમીન, કુદરતી સંસાધનો અને રાજકીય સત્તા પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. રાષ્ટ્રવાદી સંગઠન જેએસએમએમ (JSMM)એ પંજાબના આર્થિક બહિષ્કારની જાહેરાત કરી છે. સંગઠનના નેતાઓએ સિંધના ભાગલા સામેના અભિયાનને સિંધુદેશની સંપૂર્ણ સ્વતંત્રતાની ચળવળમાં ફેરવવાની વાત પણ કરી છે. સિંધુદેશ એટલે સિંધના લોકો માટે અલગ અને સ્વતંત્ર દેશ બનાવવાની માંગ. આ વિચારધારાને 1971માં બાંગ્લાદેશની રચના બાદ રાષ્ટ્રવાદી નેતા જી.એમ. સૈયદે આગળ વધારી હતી.

(6:21 PM IST)